… તો મજા પડી જાય

Comments Off on … તો મજા પડી જાય

 

પ્રથમ તમે આ બધાંથી થોડા, અલગ પડો તો મજા પડી જાય.
તમે મને જે કહ્યા કરો છો, તમે કરો તો મજા પડી જાય.

આ પીળા પર્ણો સ્વયં ખસીને, નવાંની ડાળે જગા કરે છે.
હવે આ પહેલી હરોળમાંથી, તમે ખસો તો મજા પડી જાય.

ઝરુખે બેસી તમે લખેલી, સૂરજની ગઝલો સરસ છે કિન્તુ;
કદીક તડકો ઉઘાડા બરડે, ઝીલી લખો તો મજા પડી જાય.

રમું છું, એ જોઈને કહો છો, તમારે તો બસ મજા મજા છે,
તો મારા બદલે રમો આ બાજી , પછી કહો તો મજા પડી જાય.

પતંગમાં જો પવન ભરાશે, પછી વજન દોરનુંય લાગે.
રમત આ સમજી પતંગ નીચે, ઉતારી લ્યો તો મજા પડી જાય.
 
ગૌરાંગ ઠાકર.

 
 

કુવામાં વાંસ વાંસ પાણી

Comments Off on કુવામાં વાંસ વાંસ પાણી

 

 
 
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
 
– જગદીશ જોષી

 
સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાકંન: પરેશ ભટ્ટ

 
 

શબ્દની પાલખી…

Comments Off on શબ્દની પાલખી…

 

 

શબ્દની   પાલખી    મેં   એટલે   શણગારી  છે
છે ગઝલ  ને  તે   છતાં   વાત   તારી-મારી   છે

તું કહે તો વન મહીં ને   તું   કહે  તો   મન  મહીં
જ્યાં કહે ત્યાં  આવવાની  આપણી  તૈયારી  છે

ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી  છું  હું  ચાતક  બની
એક   એવી  કલ્પના  મેં  તારા   વિશે  ધારી  છે

જ્યારે એને ખોલું  છું  કે  તું   તરત   દેખાય  છે
મારા ઘરમાં ખૂબ અંગત  એક  એવી  બારી  છે

ભગ્ન  દીવો   યાદનો    પેટાવીને   મૂક્યો   છે  મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે
 

-જયશ્રી વિનુ મરચંટ
 

સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
સ્વરાંકન : હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
સંગીત સંકલનઃ અસીમ મહેતા
સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
 
સૌજન્ય : આપણું આંગણું બ્લોગ
 
 

ફૂલ ઝરંતો હાથ લઈને

Comments Off on ફૂલ ઝરંતો હાથ લઈને

 
 

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
 
– રિષભ મહેતા
 
 

તું એક ગુલાબી સપનું છે

Comments Off on તું એક ગુલાબી સપનું છે

 

 
 
તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાનીં નીંદર છું.

ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી,
મોતીના સ્વરૂપે છે જ્યોતિ

ઓ હંસ બનીને ઊડનારા,
હું તારું માનસરોવર છું.
 
-શેખાદમ આબુવાલા
 
સ્વર: વિનુભાઈ વ્યાસ
 
 

Older Entries

@Amit Trivedi