મીઠડી નજરું વાગી

Comments Off on મીઠડી નજરું વાગી

 
 

 
 

મીઠડી નજરું વાગી, મીઠડી નજરું વાગી

એ ઝૂકી ઝૂકી શરમાય
મલકી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી
મીઠડી નજરું વાગી

ઓચિંતાની ધૂપ લાગી ને કહેવું ક્યાં ક્યાં
ઓચિંતાની ધૂપ લાગી ને કહેવું ક્યાં ક્યાં
દરશન પ્યાસે ઝૂરી ઝૂરી ને રહેવું ક્યાં ક્યાં

પ્યાસ કેમ કરી છીપાય
તરસે હૈયે લાગી લાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી
મીઠડી નજરું વાગી

દૂર ઘણી એ હતી તોય પણ એવું થાતું
દૂર ઘણી એ હતી તોય પણ એવું થાતું
મન મસ્તાનું જોઈ જોઈ મહેકી જાતું

હેતની હેલી વરસી જાય
વરસી હૈયું નચવી જાય
માયલી ભરમું ભાંગી, મીઠડી નજરું વાગી
 
– ભાસ્કર વોરા
 
સ્વર : મહમદ રફી
સ્વરાંકન : દિલીપ ધોળકીયા
 
 

આખા નગરની જલતી દીવાલોને

Comments Off on આખા નગરની જલતી દીવાલોને

 
 

 
 

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.
 
– મુકુલ ચોકસી
 

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
 
 

એવું નથી…

Comments Off on એવું નથી…

 
 
એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી
અમૃત રહ્યું નહીં તો સમંદર મા કસ નથી

દેખાય છે હજી એ મને રણ મા ઝાંઝવાં
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી

જૂઠા પડે ના ક્યાંક તબીબો ના ટેરવાં
પ્રેમી ની નાડ છે કોઈ મામુલી નસ નથી

લિલી સૂકી તો શૂન્ય છે ચૈતન્ય નું પ્રમાણ
કબરો ના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી
 
-શૂન્ય પાલનપુરી
 

સ્વર : રાસબિહાસરી દેસાઈ
સ્વરાંકન : રાસબિહાસરી દેસાઈ
 
 

પ્રેમ પાગલ તારી પાછળ છું તો છું

Comments Off on પ્રેમ પાગલ તારી પાછળ છું તો છું

 
 

 
 
પ્રેમ પાગલ તારી પાછળ છું તો છું,
તારી આંખોનું હું કાજલ છું તો છું.

તું જગત સામે નજર ચોરે ભલે,
તારા નયનોનો હું કાયલ છું તો છું.

તું નદી માફક સમાવા આવ ને,
હુંય પ્યાસો પ્રેમ સાગર છું તો છું

રોજ દુનિયા પ્રેમ પરિક્ષા છો કરે,
પ્રેમમાં કાયમ હું આગળ છું તો છું.

ઓ સનમ, મન ફાવે તો અજમાવી લે,
સાથ આપું એવો સાજન છું તો છું.
 
– પ્રશાંત સોમાણી
 
સ્વર: એઝાજ વાલેરા
સ્વરાંકન : એઝાજ વાલેરા
 
 

ક્યાંક મળો તો રોકી લેજો

Comments Off on ક્યાંક મળો તો રોકી લેજો

 
 

 
 

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઈ નહિ
આજે અમને સાંખી લેજો બીજું શું ?
 
-ખલીલ ધનતેજવી
 
સ્વર: આલાપ દેસાઈ
સ્વરાંકન: આલાપ દેસાઈ
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi