… કશું કાયમી નથી

Comments Off on … કશું કાયમી નથી

 
 

કંઈ પણ મને તું આપ કશું કાયમી નથી
વરદાન હો કે શાપ કશું કાયમી નથી

વારે ઘડીએ સ્થાન નથી છોડવું હવે,
હો વ્હાલ કે તરાપ કશું કાયમી નથી

લાંબો થયો છે માર્ગ કે પગલાંનું કદ ઘટ્યું
બંને ફરીથી માપ કશું કાયમી નથી

કોઈના માટે ઠોસ અભિપ્રાય એ જ કે
સારી ખરાબ છાપ કશું કાયમી નથી

મારી આ સ્થિરતાની તું ઈર્ષ્યા ન કર ફકીર
મારામાં ધ્યાન-જાપ, કશું કાયમી નથી

એ વૃક્ષની બખોલમાં ટહુકાનું ઘર હતું
આજે રહે છે સાપ, કશું કાયમી નથી

કરવું નહીં કશું જ એ ઈચ્છા જ મોક્ષ છે
કરવા શું પુણ્ય પાપ? કશું કાયમી નથી
 
-ભાવિન ગોપાણી
 
 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે

Comments Off on કોણ કે’ છે લક્ષ્ય વીંધે

 
 

 
 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

 

-દેવદાસ ‘અમીર’
 

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

 
 

તું એક ગુલાબી સપનું છે

Comments Off on તું એક ગુલાબી સપનું છે

 
 

 
 

તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાનીં નીંદર છું.

ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી,
મોતીના સ્વરૂપે છે જ્યોતિ

ઓ હંસ બનીને ઊડનારા,
હું તારું માનસરોવર છું.

 
-શેખાદમ આબુવાલા
 
સ્વર: વિનુભાઈ વ્યાસ
સ્વરાંકન : શેખાદમ આબુવાલા

 

જેને લેવું હો લૈ લે છે !

Comments Off on જેને લેવું હો લૈ લે છે !

 
 

સંજુ વાળા

 
 
જેને લેવું હો લૈ લે છે !
જેને દેવું હો દૈ દે છે !

બાકી એ ના રાખે કૈં પણ
જેને કે’વું હો કૈ રે’ છે !

તું તો છેવટ હાથ જ ઘસશે
જેને રે’વું હો રૈ લે છે !

આભ ખરેડે, પૃથ્વી રસળે !
જેને સ્હેવું હો સ્હૈ લે છે !

વારી જઈ, નહીં જેવી વાતે
જેને કે’વું હો જૈ કે’ છે !

પથ્થર-પંખી-પ્રશ્ન-પાણી-પળ
જેને વ્હેવું હો વૈ રે’ છે !
 
-સંજુ વાળા
 
 
સૌજન્ય :પદ્ય’ – જૂલાઇ/સપ્ટે. 2022
 
ટૂંક સમયમાં જ પ્રગટ થનાર કાવ્યસંગ્રહ #અદેહીવીજ… માંથી

 
 

મ્હેંકનો મૃદુ ભાર

Comments Off on મ્હેંકનો મૃદુ ભાર

 
 

 
 

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!
 
– રાજેન્દ્ર શુક્લ
 
સ્વર: બંસરી યોગેન્દ્ર
સ્વરાંકન: હરેશ બક્ષી

 
 

Older Entries Newer Entries

@Amit Trivedi