દર્દને ગાયા વિના રોયા કરો

Comments Off on દર્દને ગાયા વિના રોયા કરો

 

 

દર્દને   ગાયા   વિના   રોયા   કરો,
પ્રેમમાં જે  થાય  છે   જોયા  કરો.

બીક લાગે  કંટકોની   જો   સતત,
ફૂલનો સુંઘો   નહીં   જોયા   કરો.

કેમ  આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી  આખી  હવે  રોયા  કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને  કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

 

એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી

Comments Off on એવું નથી ઓ કાળ કે મંથન માં રસ નથી

 

 

એવું નથી ઓ કાળ કે   મંથન માં રસ નથી
અમૃત રહ્યું  નહીં તો સમંદર મા  કસ  નથી

દેખાય  છે  હજી  એ મને રણ મા ઝાંઝવાં
દાવો  અમસ્તો  કેમ  કરું  એ  તરસ  નથી

જૂઠા  પડે  ના  ક્યાંક  તબીબો   ના  ટેરવાં
પ્રેમી  ની   નાડ   છે  કોઈ    મામુલી   નથી

લિલી સૂકી તો  શૂન્ય  છે ચૈતન્ય નું પ્રમાણ
કબરો  ના ભાગ્યમાં  કોઈ માઠું વરસ નથી

-શૂન્ય પાલનપુરી

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
 

અમારે તો અક્ષર સુધી પહોંચવું છે

Comments Off on અમારે તો અક્ષર સુધી પહોંચવું છે

 

 

અમારે તો અક્ષર    સુધી પહોંચવું છે
પરત એ   પિયુઘર સુધી પહોંચવું  છે

ફુલેકે   ચડીને    ફજેતો   શું    કરવો
ફકત એક અવસર સુધી પહોંચવું છે.

પ્રથમથી જ ખુલ્લા અમે હાથ રાખ્યા
અહીં ક્યાં સિકંદર સુધી પહોંચવું  છે

પરિચય તો કેવળ છે પહેલું પગથિયું
હજી તો પરસ્પર સુધી  પહોંચવું  છે

હવે   કાંખઘોડી   ગઝલની   બનાવી
સ્વયં ને સુખનવર સુધી પહોંચવું  છે

– પ્રફુલ્લ નાણાવટી

સ્વરઃ ઓસમાણ મીર
સ્વરાંકન : ડો. ભરત પટેલ
સંગીત : ડો. ભરત પટેલ

 

કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે – આશિત દેસાઈ

Comments Off on કયાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે – આશિત દેસાઈ

 


 

કયાંક  ઝરણાની  ઉદાસી  પથ્થરો   વચ્ચે  પડી   છે,
ક્યાંક    તારી       યાદની      મોસમ      રડી     છે!

દોસ્ત,     મૃગજળની     કથા   વચ્ચે     તમે     છો,
આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચ્ડી છે.

પંખીઓના ગીત  જેવી  એક   ઈચ્છા   ટળવળે   છે,
ઓ      હ્ર્દય!    બોલો   કે   આ     કેવી   ઘડી   છે.

આવ    મારા     આ   રેશમી    દિવસોના    કારણ,
જિંદગી જેને  કહે  છે  એ   અહીં   ઠેબે   ચડી   છે.

ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી     નામે      હવેલી      ક્યાં     ખડી    છે?

-શ્યામ સાધુ

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરીશચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી

 

જાત ને મળવા તમારે એકલું પડવું પડે

Comments Off on જાત ને મળવા તમારે એકલું પડવું પડે

 

 


ડો ભરત પટેલ

 
જાત  ને  મળવા   તમારે    એકલું પડવું   પડે
સાવ  ઓગળવા  તમારે   એકલું   પડવું  પડે

સાબદા  હો  કાન    કેવળ એટલું  પુરતું  નથી
સાદ  સાંભળવા  તમારે   એકલું   પડવું   પડે

સાથ ને સંગાથથી   થીજી જવાતું   હોય  છે
સ્હેજ  ખળભળવા  તમારે એકલું પડવું  પડે

ગાઢ  જંગલમાં બધાં  સાથે મળી  મૂકી જશે
બ્હાર  નીકળવા તમારે   એકલું   પડવું   પડે

કોઈને ટેકે પ્રભાતી પ્હોર  થઈ  ઊગી   શકો
સાંજ થઈ ઢળવા તમારે  એકલું   પડવું પડે

-નીતિન વડગામા

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો. ભરત પટેલ
 

Older Entries Newer Entries

@Amit Trivedi