આખીએ રાત તને કહેવાની વાત મેં

Comments Off on આખીએ રાત તને કહેવાની વાત મેં

 
 

 
 
આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…

હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમા ઓરડે તાળામાં

અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં

મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…
 
-હર્ષદ ચંદારણા
 
સ્વર : સંજય ઓઝા
સ્વરાંકન : માલવ દિવેટીઆ
 
 

કોયલને કહેવું પણ શું ?

Comments Off on કોયલને કહેવું પણ શું ?

મધરાતે કોયલ બોલે, હ્રદયને ખોલે,
કોયલને કહેવું પણ શું ?

વ્હેતી કરાય નહીં અંગત કોઇ વાતને
જ્યાં ત્યાં પથરાય નહીં જળની બિછાતને
લાગણીને આમ કેમ ઢોળે , કોઇ ત્રાજવામાં તોલે
કોયલને કહેવું પણ શું ?

આપણી તે વેદનાને આપણે જ જાણવી
ભરોસો મુકાય એવો ક્યાં છે કોઇ માનવી ?
બંધ દરવાજા શાને ઢંઢોળે ને મૃગજળ ફંફોળે
કોયલને કહેવું પણ શું ?

-તુષાર શુક્લ

કાળજા કેરો કટકો મારો

Comments Off on કાળજા કેરો કટકો મારો

 
 

 
 

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
  
-કવિ દાદ બાપુ
  
સ્વર : કવિ દાદ બાપુ
 
 

તારું તે નામ લઈ…

Comments Off on તારું તે નામ લઈ…

 
 

 
 
તારું તે નામ લઈ હૈયું આ રાતદિન મીઠેરી વાંસળીને વાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય

દર્પણની પાસ જઈ પાછી હું જાઉં વળી એવું શું થાય મને આજ
કે હોઠ નહિ ઉઘડે ને પાય નહિ ઉપડે ને મુખડે છવાઈ જાય લાજ

છાનેરી વાતને ચોરીછૂપીથી રખે વાયરોયે સાંભળી જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય

પાંપણ બિડાય પણ નીંદરનું નામ નહિ શમણાંઓ શ્યામલ અંજાય
ચંચલ સુગંધને કૂણી આ પાંખડીમાં કેમ કરી ઢાંકી ઢંકાય?

પંખાળી ફોરમને ઝાલી ઝલાય નહિ કોણ જાણે ક્યાંય ભળી જાય
મનને એકાન્ત જરી બોલુ હું નામ ત્યાં નીચા આ નેણ ઢળી જાય
 
– સુરેશ દલાલ
 
સ્વર: રાજેશ વ્યાસ
સ્વરાંકન: પરેશ ભટ્ટ
 
 

ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી

Comments Off on ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી

 
 

 
ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે

દિવ્ય સૂર-તાલ સૂણી ગગન્ની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે..

સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હ્રદય ઐકત્ર પામે..

નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલેઃ
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પ્રુથ્વી રેલે..
 
– કૃષ્ણલાલ શ્રીધરાણી
 
સ્વર : શ્રધ્ધા શ્રીધરાણી
 
 

Older Entries

@Amit Trivedi