સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો

Comments Off on સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો

 

 

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો,
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો…

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી;

આથમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો.
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો…

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલી ઘેલી;

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો…
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.

-વિનોદ જોશી

સ્વર : પ્રગતિ ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય

Comments Off on જમુનાનાં જળ કદી ઓછાં ન થાય

 

 

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,

મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.

છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર

સ્વરઃ : ગાર્ગી વોરા
સ્વરાકંન : મેહુલ સુરતી

સાયબો મારો વાણી કરતાં યે  વેંત ઢૂંકડો

Comments Off on સાયબો મારો વાણી કરતાં યે  વેંત ઢૂંકડો

 

 


મનોહર ત્રિવેદી
 
સાયબો મારો વાણી કરતાં યે  વેંત ઢૂંકડો
કે થોડો સાચૂકલો ,ઝાઝેરો જૂઠડો  હો જી
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

એની ચપટીમાં કંકુના સાથિયા
ના રેલા સેંથી વચાળ ચાલિયા
રે થાય ઓછો ઓછોને અધૂકડો હો જી રે

વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …
પાંપણે આંસુ ઝૂલ્યાં  કે સંભારણાં ?
ઊઘડ્યાં  નીંદરમાં સાગમટે બારણાં
ઝૂરતો દિવાની શાગમ ઝરુખડો  હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

બાઈ, અમે નજરું સાંધી તડાક તૂટીએ
આંખ્યુંમાં ભરીએ ને જાતમાંથી ખૂટીએ
એમ ઓલ્યા દરિયાને કીધો ટચૂકડો હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

અંગૂઠો મરડી પિયુને જગાડશું
આછી આછી તે ફૂંકે વજાડશું
રે મારો વાલોજી વાંસનો છે ટૂકડો હો જી રે
વાણી કરતાં  યે  વેંત ઢૂંકડો …

– મનોહર ત્રિવેદી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : એસ . સ્વરકાર


સૌજન્યઃ
આસિતકુમાર મોદી
નીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રા .લી.

સગપણના છે તાણાવાણા

Comments Off on સગપણના છે તાણાવાણા

 


 


મનોહર ત્રિવેદી
 
સગપણના છે તાણાવાણા
ઘરવખરીમાં સગપણના છે તાણાવાણા
ઘરવખરીમાં થોડા કાષ્ઠ , અડાયા  છાણા

બાપુજીના સ્ત્રોત વહેતાં  બા ના કંઠે
પ્રભાતિયામાં વા’તા વ્હાણા ઘરવખરીમાં
બચપણ નામે ફાટ્યું તૂટ્યું રઝળે પુસ્તક
સચવાયા  છે છૂટક પાના
સચવાયા  છે છૂટક પાના ,ઘરવખરીમાં

મળ્યા ભીડમાં કૈક સ્વજનવત સપનાં દોસ્તો
છોગામાં, મનગમતા ગાણા  ઘરવખરીમાં
ઘરવખરીમાં એક ગઝલની ઝીણી ચાદર
રાખ્યા બે ત્રણ આંસુ છાના ઘરવખરીમાં

– મનોહર ત્રિવેદી

સ્વરઃ જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

સૌજન્યઃ
આસિતકુમાર મોદી
નીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રા .લી.

… અમે તો ગીત ગુલાબી, ગાશું !

Comments Off on … અમે તો ગીત ગુલાબી, ગાશું !

 

 

 

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

સ્વર : નિધિ, મિતાલી, ખુશ્બુ, આયુષી
મિત્તલ, હિરલ, હર્ષિત, ચિંતન, મિત, ભાર્ગવ

સ્વરાંકન : સુનિલ રેવર

આલ્બમ :
સાત સૂરોની શિક્ષણ સરગમ – (2008)

Older Entries Newer Entries

@Amit Trivedi