દાદાના આંગણામાં

Comments Off on દાદાના આંગણામાં

 

 

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન

ખોળો વાળીને હજી રમતા’તા કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર, ફેર હજીય ન’તા ઉતર્યા
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના વેણ માંગ્યા
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન

– માધવ રામાનુજ

સ્વર : કાજલ કેવલરામાની અને ગોપા શાહ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

વાંસળીના સૂર જેમ વળગે વરસાદ કા’ન

Comments Off on વાંસળીના સૂર જેમ વળગે વરસાદ કા’ન

 

 

વાંસળીના સૂર જેમ વળગે વરસાદ કા’ન
કેમ કરી રોકાવું રાનમાં
ડગલે ને પગલે એ ઝરમરતો સાદ
લાખ રહું ને ના રહેવાતું માનમાં……

કોઈ કોઈ સાંજે મને ઓછું ઓસાણ
વાત લઈને આવ્યું’તું એક ફોરું
ઝીણી આ વાતમાં ન સૂઝ પડી લેશ
આવી વરસ્યું આકાશ સાવ ઓરું
એક એક લટમાંથી યમુનાની લ્હેર
કા’ન લ્હેરાતો જાય એના વાનમાં……

જાસૂદના ફૂલ જેવી ભડકે વનરાઈ
આભ વરસે ને આગ ઓલવાય નહીં
આલિંગન આપ્યું એનો રંગ ચડયો એવો
અંગ ભીંજાતું’ તોય લેશ જાય નહીં
રટણામાં સાવ ભાન ભૂલીને તોય
લોક કહે છે હું એક એના ધ્યાનમાં……

-હરીન્દ્ર દવે

સ્વરઃ સલાની મુન્સફ
સ્વરાંકન : માલવ દિવેટીઆ

ટહુકે ટહૂકે ઓગળવું એ પ્રેમ

Comments Off on ટહુકે ટહૂકે ઓગળવું એ પ્રેમ

 

 

ટહુકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનનાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી

અધમધરાતે ઊડી જતાં એ જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઈને કહીએ
હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વહેમ

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શા૫
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ
સૂર્ય મુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વહેમ

-તુષાર શુક્લ

સ્વર :સૌમિલ મુનશી અને આરતી મુનશી
સ્વરાંકન : માલવ દિવેટીઆ

પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર

Comments Off on પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર

 

 

પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી સૈયર
પ્રીત્યું નંઈ વૈશાખી રાત
પ્રીત્યું તો રામકલી રાગ મોરી સૈયર
પ્રીત્યું નંઈ વે’વારી વાત.
નેણાં તો ઘૂઘવતું ગીત મોરી સૈયર
નેણા નંઈ મરજાદી વેણ
નેણાં તો સાગરનો છાક મોરી સૈયર
નેણાં નંઇ વીરડીનું વહેણ
સમણાં તો સોનેરી આભ મોરી સૈયર
સમણાં નઈ રૂદિયાની રાખ
સમણાં તો જીવતરનો ફાગ મોરી સૈયર
સમણાં નઈ નીતરતી આંખ
જોબન તો સુખડનાં શીત મોરી સૈયર
જોબન નંઈ બાવળની શૂળ
જોબન તો ડોલરની ગંધ મોરી સૈયર
જોબન નંઈ આવળનું ફૂલ
પરણ્યો તો પાંથીનો રંગ મોરી સૈયર
પરણ્યો નંઈ આછકલી યાદ
પરણ્યો તો કંકણનો સૂર મોરી સૈયર
પરણ્યો નંઈ સોરાતો સાદ

– વજુભાઈ ટાંક

સ્વરઃ હંસા દવે
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

હવે પીપળો ન ઊગે પછીતમાં

Comments Off on હવે પીપળો ન ઊગે પછીતમાં

 

 

હવે પીપળો ન ઊગે પછીતમાં
છાતીમાં એમ તું તો ઘૂઘવતી જેમ
કોઈ દૂધવતો હોય ભાવ ગીતમાં
સુખને આકાશ સમું કહીએ છતાંય
થતું કહેવાનું કે હજુ ખૂટે
આવી વસંત નથી ભાળી કે મંજરીઓ
ચીતરેલા ઝાડને ય ફૂટે
ઓરડાને કલરવ ભર્યો ભર્યો કરવા કૈં ભર્યો ભર્યો કરવા
હું ચકલીનું નામ હવે ચકલીનું નામ નહીં ચકલાનું
નામ લખું ભીંતમાં
શેરી પગથાર ભીંત પાદર ને ચોક
જાણે ડમરીમાં ધૂળ ઊડી જતી
આટલી ભીનાશ જોઈ એવું થતું કે
આ તો દરિયો હશે કે મારી છાતી
આભમાંથી ખરતી આ કૂણી સવાર આજ ખોબે ઝિલાય
એની મ્હેકને અડાય, મારો ખોબો છલકાય બધુ તરતું રે જાય
હવે પ્રીતનોય ભાર નહી પ્રીતમાં

-રમેશ પારેખ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

Older Entries Newer Entries

@Amit Trivedi