સુખ તો એવું લાગતું

Comments Off on સુખ તો એવું લાગતું

 

 

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

– દિલીપ જોશી

સ્વરાંકન : ડો ભરત પટેલ

એક માણસ નાતમાં સાચો પડે

Comments Off on એક માણસ નાતમાં સાચો પડે

 

 

એક   માણસ   નાતમાં    સાચો   પડે,
એમને    એમાંય    પણ    વાંધો   પડે.

એ બધા માની  જ  લે  એને    મરણ,
આદમી   થોડોક   બસ   આડો   પડે.

આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ   સાલો   આપણો   જાડો   પડે !

હું   ય   વ્હાલો   હોઇશ   મારા બાપને,
ગાલ   પર    મારાય   તે     ખાડો   પડે.

ક્યાં    મળે   છે   તપ વગર ફળ કોઈને,
જો   રહો   તડકે   તો   પડછાયો  પડે !

એટલો    માણસ   નથી   તૈયાર   આ,
છળકપટમાં   એ   હજી  પાછો    પડે.

દીવડાં     પ્રગટાવ     તારી    આંખનાં,
શ્વાસ   આ   મારો   હવે   ઝાંખો  પડે.

પ્રેમનું       અત્તર      લગાડો     દૂરથી,
બહુ    જશો   નજદીક   તો  ડાઘો પડે.

– સ્નેહલ જોષી

સ્વર : દિશાની મહેતા

સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : હરજીવન દાફડા

 

કાળની કેડીએ ઘડીક સંગ

Comments Off on કાળની કેડીએ ઘડીક સંગ

 


 

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

જુદી જિંદગી છે મિજાજે મિજાજે

Comments Off on જુદી જિંદગી છે મિજાજે મિજાજે

 

 

જુદી   જિંદગી છે  મિજાજે મિજાજે;
જુદી    બંદગી   છે    નમાજે  નમાજે.

છે   એક  જ  સમંદર, થયું એટલે શું ?
જુદા  છે  મુસાફર  જહાજે  જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે    સૂરો   જુદેરા    રિયાજે   રિયાજે.

જુદા   અર્થ   છે   શબ્દના બોલવા પર,
છે   શબ્દોય   જુદા  અવાજે  અવાજે.

જીવન   જેમ   જુદાં  છે કાયામાં જુદી,
છે   મૃત્યુય   જુદાં   જનાજે   જનાજે.

હઠી   જાય   ઘૂંઘટ, ઢળી   જાય ઘૂંઘટ,
જુદી   પ્રીત   જાગે    મલાજે   મલાજે.

તમે   કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ,   બદલે   દુનિયા  તકાજે તકાજે.

– મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

@Amit Trivedi