ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા

Comments Off on ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા

 

 

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

– અમૃત ઘાયલ

સ્વર : મનહર ઉધાસ

કારેલું…… કારેલું મોતીડે વઘારેલું

Comments Off on કારેલું…… કારેલું મોતીડે વઘારેલું

 

 

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

― વિનોદ જોષી

@Amit Trivedi