વ્હાલ કરે તે વ્હાલું

Comments Off on વ્હાલ કરે તે વ્હાલું

 

 

વ્હાલ કરે તે વ્હાલું
આ મેળામાં ભૂલો પડયો હું કોની આંગળી ઝાલું ?

ફુગ્ગા ને ફરફરિયાં જોઉં, જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા, કોઈક વ્હોરે ફૂલની વેણી

કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પાલું…

ક્યાંક ભજન વેચાય, ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું-શું અચરજ, કરે કાળના જાદુગરનો ડબ્બો !

સૌ-સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું…

કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી

શું લઈશ તું ? – પૂછે મને આ મારું ગજવું ઠાલું…!

– રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : અમર ભટ્ટ

શાને ગુમાન કરતો

Comments Off on શાને ગુમાન કરતો

 

 

અરે   ઓ  બેવફા સાંભળ ,તને  દિલની   દુવા  મારી
બરબાદ ભલેને થાતો હું, આબાદ રહે દુનિયા   તારી

શાને ગુમાન  કરતો , ફાની છે   જિન્દગાની
આ રૂપ ને જવાની ,એક દિન ફના થવાની

રડતાઓને     હસાવે ,   હસ્તાઓને   રડાવે
કુદરતની  એક  ઠોકર,   ગર્વિષ્ઠને     નમાવે
દુનિયામાં સિકંદરની પણ ના રહી નિશાની

પડછાય જલ્દી નીચે,જે  ખાય  છે  ઉછાળો
કુદરતે પણ ચંદ્રમા પર મૂક્યો છે  ડાઘ કાળો
સમજુ છતાં ન સમજે,   એ વાત  મૂર્ખતાની

આ  જિંદગીનો દીવો  પળમાં બૂઝાઈ જાશે
ચંદન સમી  આ  કાયા  ધરણી  ધૂળ   થાશે
માટે વિનય કરું  છું, બનતો  ન તું  ગુમાની

– રમેશ ગુપ્તા

સ્વર : તલત મહેમુદ
સંગીત : કેસરી મિસ્ત્રી

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી

Comments Off on ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી

 

 

ઝુલ્ફમાં  ભૂલી   પડેલી    આંગળી,    તેં  સાંભળ્યું?
રાતભરનો   થાક   લઈ પાછી. વળી,  મેં સાંભળ્યું.

આંગળી   ખંડેરનો  હિસ્સો   નથી,   તેં સાંભળ્યું?
છે    હવે       ગુલમહોરની     કળી,   મેં સાંભળ્યું.

ટેરવે    ઘેઘુર     સન્નાટો      હતો,    તેં  સાંભળ્યું?
દરબદર  વાગે  હવે  ત્યાં  વાંસળી,    મેં સાંભળ્યું.

છે   ઉઝરડા  મખમલી આકાશમાં,   તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક    વીજળી,   મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો  વિસ્તાર  છે,  તે સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો   ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક    આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી,    મેં સાંભળ્યું.

આપણું    મળવું ગઝલ  કહેવાય છે, તે સાંભળ્યું?
કાફિયા   ઓઢી   ફગાવી  કામળી,  મેં સાંભળ્યું

– વિનોદ જોશી

સ્વર : આશિત દેસાઈ

સ્વરાંકન : આશિત દેસાઈ

ઓ હૃદય, તેં પણ ભલા!

Comments Off on ઓ હૃદય, તેં પણ ભલા!

 

 

ઓ હૃદય, તેં  પણ  ભલા!  કેવો  ફસાવ્યો  છે  મને?
જે નથી મારા  બન્યાં,  એનો   બનાવ્યો   છે   મને!

સાથ આપો  કે  ના  આપો  એ  ખુશી  છે  આપની,
આપનો ઉપકાર,  મારગ   તો   બતાવ્યો   છે   મને.

સાવ સહેલું  છે,   તમે  પણ  એ   રીતે   ભૂલી   શકો,
કે   તમારા   પ્રેમમાં    મેં   તો   ભુલાવ્યો   છે    મને.

મારા  દુઃખના   કાળમાં   એને  કરું   છું   યાદ   હું,
મારા  સુખના   કાળમાં   જેણે  હસાવ્યો   છે   મને.

હોત દરિયો તો હું તરવાનીય   તક   પામી   શકત,
શું   કરું   કે   ઝાંઝવાંઓએ    ડુબાવ્યો    છે   મને.

કાંઈ નહોતું  એ   છતાં   સૌએ   મને   લુંટી     ગયા,
કાંઈ નહોતુ એટલે     મેં   પણ   લુંટાવ્યો   છે   મને.

એ બધાંનાં નામ  દઈ  મારે   નથી   થાવું   ખરાબ,
સારાં    સારાં   માનવીઓએ   સતાવ્યો   છે   મને.

તાપ   મારો   જીરવી  શકતાં  નથી  એ  પણ   હવે,
લઈ   હરીફોની   મદદ   જેણે   જલાવ્યો   છે   મને.

છે હવે   એ   સૌને   મારો   ઘાટ   ઘડવાની   ફિકર,
શુદ્ધ   સોના  જેમ   જેઓએ    તપાવ્યો   છે   મને.

આમ   તો  હાલત અમારા બેય ની સરખી  જ  છે,
મેં ગુમાવ્યાં એમ   એણે પણ   ગુમાવ્યો    છે   મને.

આ રીતે સમતોલ  તો   કેવળ   ખુદા   રાખી   શકે,
ભાર માથા પર  મૂક્યો   છે  ને  નમાવ્યો   છે   મને.

સાકી, જોજે  હું    નશામાં  ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં  લાવ્યો   છે   મને.

આપ સાચા અર્થમાં છો    મારે   માટે   તો   વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ   બધાં   બેફામ   જે   આજે  રડે  છે  મોત  પર,
એ બધાંએ  જિંદગી   આખી   રડાવ્યો   છે   મને.

– બરકત વીરાણી ‘બેફામ’

હરી પર અમથું અમથું હેત

Comments Off on હરી પર અમથું અમથું હેત

 

 

હરી પર અમથું અમથું હેત,

હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગત લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

– રમેશ પારેખ

સ્વર : સુરેશ જોશી

સ્વરકાર : સુરેશ જોશી

Older Entries

@Amit Trivedi