હરી પર અમથું અમથું હેત

Comments Off on હરી પર અમથું અમથું હેત

 

 

હરી પર અમથું અમથું હેત,

હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગત લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.

‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.

– રમેશ પારેખ

સ્વર : સુરેશ જોશી

સ્વરકાર : સુરેશ જોશી

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

Comments Off on જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ,
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

– હરિન્દ્ર દવે

સ્વર : પરેશ ભટ્ટ

સ્વરાંકન : પરેશ ભટ્ટ

@Amit Trivedi