ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો

Comments Off on ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો

 

 

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

અવિનાશ વ્યાસ

સાંજ પહેલાની સાંજ ઢળી છે

Comments Off on સાંજ પહેલાની સાંજ ઢળી છે

 

 

સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.

મોરપિંછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો.
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.

વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા,
કોઈ વૃક્ષની છાંય પછી તો ગિરિધર મેરો મેરો
શ્યામ તમારી સંગ અમારો જનમ જનમનો લાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.

…સુરેશ દલાલ

સ્વર : હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઇ

@Amit Trivedi