Archive for January, 2019

ચકલીની ચાંચ

Sunday, January 27th, 2019

 

 

તૂટે તૂટે રે ચકલીની ચાંચ
ના દર્પણ તૂટે ના દર્પણમાં દેખાતું સાચ

સૌ લીલાછમ તરણા પાસે દોડી દોડી પૂગે
ભોં વિંધ્યાની પીડા કેમે આપણમાં ના ઉગે

સામે દેખ્યું સાચું ના દેખાતું ગણ્યું ભાસ

ના દેખાતું ઉકેલવાના ક્યાં છે હવે ખમીર
સૌ પાસે છે મન બાંધવા નહિતર દોરી હીર

રોજ રોજ ફૂટીને દર્પણ થાતું અંતે કાચ
તૂટે તૂટે રે ચકલીની ચાંચ

– હરીશ વડાવીયા

સ્વર : સોહેલ બ્લોચ, ઉર્વશી પંડ્યા
સ્વરાંકાન : ડો ભરત પટેલ
આસ્વાદ : સ્નેહી પરમાર

મારા રુદિયામાં આવ્યા હરિ

Monday, January 21st, 2019

 

 

મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી
ઘડી હું ફૂંક ને હું જ બંસરી
ઘડી ડું જ હરિવર નકરી

મને ખબર્યું ન પડતી ખરી …
પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી
હરિ સોંસરવી હું સંચરી …

કવિ – રમેશ પારેખ
સ્વર : એશ્વર્યા મજમુદાર

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો

Sunday, January 20th, 2019

 

 

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,
પાંપણની પોટલીમાં આસુંનાં તાંદુલ લઈ
ઉભો હું થઈને સુદામો,
હરિ મારી આંખ્યુંમાં..

દરિયાની ભરતીમાં મોજાનો લોડ
એમ ઉછળવું કાયામાં રગોનું;
પાસંળીની પાર પીડા એટલી સમાઈ છે
જેટલું દ્વારીકામાં સોનું,
જરા ધસમસતા શ્વાસોને થામો.
મારી આંખ્યુંમાં કરજો વિસામો.

કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ
નાખે જળધાર એક સીંચી;
કે ધારને કિનારે હરિ હસતાં દેખાય
પછી હળવી આંખ લઉં મીંચી.
હવે જળનો કિનારો છે સામો,
મારી આંખ્યુંમાં કરજો વિસામો.

– પ્રણવ પંડ્યા

સ્વર : સોનિક સુથાર
સ્વરાંકન : સુરેશ જોશી

શૂન્યતામાં પાનખર ફરતી રહી

Saturday, January 19th, 2019

 

 

શૂન્યતામાં   પાનખર  ફરતી  રહી.
પાંદડીઓ  આભથી  ખરતી  રહી.

ને પવનનું વસ્ત્ર  ભીનું   થઇ   ગયું,
ચાંદનીની. આંખ   નીતરતી   રહી.

સૂર્ય   સંકોચાઇને  સપનું    બન્યો,
કે  વિરહની. રાત   વિસ્તરતી રહી.

મૌનની   ભીનાશને   માણ્યા  કરી,
ઝૂલ્ફમાં બસ  અંગુલી ફરતી  રહી.

હું  સમયની    રેતમાં   ડૂબી  ગયો,
મૃગજળે મારી તૃષા   તરતી   રહી.

તેજ   ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ  આંખમાં   ઠરતી  રહી.

આપણો સબંધ તો  અટકી  ગયો,
ને સ્મૃતિની  વેલ   પાંગરતી   રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી  જિંદગી  સરતી   રહી.

– આદિલ મન્સૂરી

સ્વર : શ્રુતિ વૃન્દ

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

અણધાર્યા રસ્તે હવે આવી ને ઊભો રહ્યો

Tuesday, January 15th, 2019

 


 

અણધાર્યા રસ્તે હવે આવી ને ઊભો રહ્યો,
પ્હોંચ્યો ના મંઝિલ સુધી, ના હું સફરમાં રહ્યા.

મૃગજળની રાખી તરસ, એનો આ અંજામ છે.
આંખોમાં આંસુ નથી, યાદોનું તોફાન છે.

ન કાબુમાં મન…..
છે કેવી ઘુટન…
જશે કઈ તરફ આ ડગર, કોને ખબર…..

સમયનાં વમળ છે,
દિશાઓ અકળ છે.
ને મઝધારે ઉઠે ભંવર….

છે તરણાંની આશા
તો કેવળ નિરાશા
થયું ભાગ્ય પણ બેઅસર….

ના કોઈ જાણે, ના કોઈ સમજે
શું વિધાતા એ માંડી રમત….
સાથે હો ત્યારે કિંમત ના સમજે
દૂર હો ત્યારે વધે છે મમત

હથેળીમાં રણ….
સરકતી આ ક્ષણ…
શું પુરી થશે આ સફર? કોને ખબર…

ઉછળતો સમંદર
છે આંખોની અંદર
ન સમજાય મનની દશા….

જો ઈચ્છામાં બળ છે
તો રસ્તો સરળ છે
ખુલી જાશે નવમી દિશા….

– ભાર્ગવ ઠાકર

સ્વર : દિવ્યકુમાર
સ્વરાંકન : રાજીવ ભટ્ટ
સંગીત :રાજીવ ભટ્ટ

ફિલ્મ : બાપ રે બાપ

આજ ગગનમાં પતંગ ઊડે

Monday, January 14th, 2019

 

 

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

સરગમ…

એ હે… સનસનન…
ચગે રે ચગે… ચગે રે ચગે…
હે કાયપો છે…!!

અલગ અલગ રંગોના પતગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગળમાં રંગોળી ભરતા
કોઇ સનન.. ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતા
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડુ ઉડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

– ડો રઈશ મનિયાર

સ્વર : અમન લેખડિઆ, સત્યન જગીવાલા, દ્રવિતા ચોક્સી

સંગીત : મેહુલ ચોકસી

…. લઈને આવ મા

Sunday, January 13th, 2019

 

 

વાત માંડી   છે  હજુ,  અંજામ.  લઈને  આવ  મા,
જીતવા તો  દે. મને,   ઈનામ    લઈને   આવ   મા;

આ   નગરની   હર  ગલી   શોખીન સન્નાટાની  છે,
શબ્દને તું  આમ   ખુલ્લેઆમ   લઈને  આવ   મા;

ક્યાંય સુકાયા નથી  કોઈ   આંખના  દરિયા  હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

જિન્દગી    આખી   વીતાવી    ભૂલવામાં   જેમને,
એમની  તસ્વીર,    એનું   નામ  લઈને   આવ  મા;

હું  હળાહળ   ઝેરને  પીવા   મથું     છું   ક્યારનો,
દોસ્ત,   અત્યારે   છલકતું  જામ લઈને આવ  મા.

– હિમલ પંડ્યા

સ્વર : ડો. ભાવના મહેતા
સ્વરાંકન : પ્રણવ મહેતા

ખારવણ

Wednesday, January 9th, 2019

 

 

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

– વિમલ અગ્રાવત

સ્વર : ડો.ફિરદૌસ દેખૈયા

કાળ જુઓને અજગર જેવો

Monday, January 7th, 2019

 

કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને   ભૂતકાળ  બનાવે  જાય   છે.

નાનું   સરખું   સુખ   મળે  તો  પણ રાજી થાઉ હવે,
મોટા દુઃખો મન આ મારૂં  પળમાં  વિસરી  જાય  છે.

સાગર, ધરતી, આભ રૂપાળી સુષ્ટિ પરના આવરણ,
સઘળાં   બંધન   તોડી   હૈયું  અવકાશે   ખેંચાય છે.

પંડિતોની    ભાષા   કહે   કે   ‘દેહ  છૂટે તો દેવ મળે’,
કાયામાં   છે  ઈશ્વર   તોયે   પથ્થર  પૂજે  જાય  છે.

– કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન : ઉદય મજુમદાર

પાગલ છે જમાનો ફૂલોનો

Monday, January 7th, 2019

 

 

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની  ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.

સૌંદર્યની   ચાહતના  પરદે, સૌંદર્યોની  લૂંટો   ચાલે છે
ફૂલો તો   બિચારા શું  ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની

ઉપવનને લૂંટાવી દેવાનો  આરોપ છે  કોના જોબનપર
કાંટાની   અદાલત  બેઠી  છે લેવાને  જુબાની  ફૂલોની.

તું   શૂન્ય  કવિને  શું. જાણે એ  રૂપનો કેવો પાગલ છે
રાખે   છે   હૃદય પર  કોરીને. રંગીન  નિશાની ફૂલોની.

– શૂન્ય પાલનપુરી

સ્વર : ભરત ગાંધી