આજ ગગનમાં પતંગ ઊડે

Comments Off on આજ ગગનમાં પતંગ ઊડે

 

 

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

સરગમ…

એ હે… સનસનન…
ચગે રે ચગે… ચગે રે ચગે…
હે કાયપો છે…!!

અલગ અલગ રંગોના પતગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગળમાં રંગોળી ભરતા
કોઇ સનન.. ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતા
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડુ ઉડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

– ડો રઈશ મનિયાર

સ્વર : અમન લેખડિઆ, સત્યન જગીવાલા, દ્રવિતા ચોક્સી

સંગીત : મેહુલ ચોકસી

…. લઈને આવ મા

Comments Off on …. લઈને આવ મા

 

 

વાત માંડી   છે  હજુ,  અંજામ.  લઈને  આવ  મા,
જીતવા તો  દે. મને,   ઈનામ    લઈને   આવ   મા;

આ   નગરની   હર  ગલી   શોખીન સન્નાટાની  છે,
શબ્દને તું  આમ   ખુલ્લેઆમ   લઈને  આવ   મા;

ક્યાંય સુકાયા નથી  કોઈ   આંખના  દરિયા  હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

જિન્દગી    આખી   વીતાવી    ભૂલવામાં   જેમને,
એમની  તસ્વીર,    એનું   નામ  લઈને   આવ  મા;

હું  હળાહળ   ઝેરને  પીવા   મથું     છું   ક્યારનો,
દોસ્ત,   અત્યારે   છલકતું  જામ લઈને આવ  મા.

– હિમલ પંડ્યા

સ્વર : ડો. ભાવના મહેતા
સ્વરાંકન : પ્રણવ મહેતા

ખારવણ

Comments Off on ખારવણ

 

 

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.

– વિમલ અગ્રાવત

સ્વર : ડો.ફિરદૌસ દેખૈયા

કાળ જુઓને અજગર જેવો

Comments Off on કાળ જુઓને અજગર જેવો

 

કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને   ભૂતકાળ  બનાવે  જાય   છે.

નાનું   સરખું   સુખ   મળે  તો  પણ રાજી થાઉ હવે,
મોટા દુઃખો મન આ મારૂં  પળમાં  વિસરી  જાય  છે.

સાગર, ધરતી, આભ રૂપાળી સુષ્ટિ પરના આવરણ,
સઘળાં   બંધન   તોડી   હૈયું  અવકાશે   ખેંચાય છે.

પંડિતોની    ભાષા   કહે   કે   ‘દેહ  છૂટે તો દેવ મળે’,
કાયામાં   છે  ઈશ્વર   તોયે   પથ્થર  પૂજે  જાય  છે.

– કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન : ઉદય મજુમદાર

પાગલ છે જમાનો ફૂલોનો

Comments Off on પાગલ છે જમાનો ફૂલોનો

 

 

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની  ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.

સૌંદર્યની   ચાહતના  પરદે, સૌંદર્યોની  લૂંટો   ચાલે છે
ફૂલો તો   બિચારા શું  ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની

ઉપવનને લૂંટાવી દેવાનો  આરોપ છે  કોના જોબનપર
કાંટાની   અદાલત  બેઠી  છે લેવાને  જુબાની  ફૂલોની.

તું   શૂન્ય  કવિને  શું. જાણે એ  રૂપનો કેવો પાગલ છે
રાખે   છે   હૃદય પર  કોરીને. રંગીન  નિશાની ફૂલોની.

– શૂન્ય પાલનપુરી

સ્વર : ભરત ગાંધી

Older Entries Newer Entries

@Amit Trivedi