હશે મારી દશા કેવી

Comments Off on હશે મારી દશા કેવી

 

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

અસર આવી નથી જોઈ, મેં વર્ષોની ઈબાદતમાં,
ફક્ત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી.

ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની,
નશામાં પણ હવે ક્યાં આદમી પરખાય છે સાકી?

‘મરીઝ’ આવા નશામાં પણ આંખ ઉઘાડી રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી

અબ્બાસ વાસી ‘મરીઝ’

સ્વર : ઓસમાન મીર

તું ના કહે હું હા કહું

Comments Off on તું ના કહે હું હા કહું

 

તું ના કહે હું હા કહું કેવી અજબ છે જિંદગી
વ્હેતી રહે છે જળ સમી કેવી ગજબ છે જિંદગી

ફરતા ફરે સપનાં સજાવી હાથની રેખા મહીં,
કોને મળેલી છે પૂછજો મરજી મુજબની જિંદગી.

વેરાન રણ શાં વિસ્તરે છે ઝાંઝવાં નજરો મહીં
છીપે તરસ ના તોય પીવાની તલબ છે જિંદગી

હેતાળ જળ શીતળ લઈ વગડે મળે થૈ વીરડી
વેરાન પંથે લાગણી કેરી પરબ છે જિંદગી.

જીવી શકે તું મોજથી લૈ મૌન નો સાગર ભરી,
કૈ રાઝ રાખે છે છુપાવી બાઅદબ છે જિંદગી.

  • કવિ દાજી

સ્વર : પિતાંબર પારઘી

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે

Comments Off on રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે

 

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે
સાચ-જૂઠને ચાવી-ચાવી લ્હાવો લે છે

દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે

ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
હકીકતોને હચમચાવી લ્હાવો લે છે

પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટું ચીપકાવી લ્હાવો લે છે

ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
સિતાબાઇ પીંજર પઢાવી લ્હાવો લે છે

સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
વાતે-વાતે નામ વટાવી લ્હાવો લે છે

સો ટચનો કોઇ શબ્દ પારખી તું પણ લઇ જો
જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે

  • સંજુ વાળા

શ્યામ, તને લખવો છે કાગળ,

Comments Off on શ્યામ, તને લખવો છે કાગળ,

 

 

શ્યામ, તને લખવો છે કાગળ,
પ્રિય લખું? કે ગમશે સખા??
વ્હાલમ્‌ કહું કે સાંવરિયા…

શું લખું તારા નામની આગળ?
શ્યામ, તને લખવો છે કાગળ…

છેડે સખીઓ નામ કહેને
રોકે રસ્તો ઠામ બતાવ કહેને
ક્યાં છે તારો શ્યામ કહેને
કોણ છે તારો પ્રાણ કહેને

બોલું ત્યાં તો વરસે વાદળ
શ્યામ, તને લખવો છે કાગળ…

કાગળમાં બસ શ્યામ લખું?
હૈયે છે તે તમામ લખું?
રોમ રોમ તુજ નામ લખું?
તો કાગળ શું કામ લખું?
પ્રેમબાવરી હું તો પાગલ

શ્યામ, તને લખવો છે કાગળ…

  • ડો નિભા હરિભક્તિ

સ્વર : સાધના સરગમ

હે કૃષ્ણ ! કૃપા વરસાવો

Comments Off on હે કૃષ્ણ ! કૃપા વરસાવો

 

 

હે કૃષ્ણ ! કૃપા વરસાવો
હે કૃષ્ણ ! કૃપા વરસાવો

હૃદયે બાંધ્યા તોરણ, કહાના, આંખમાં યમુના પૂર
શ્યામનામ ગૂંજે ધબકારે, શ્વાસ વાંસળી સૂર…
કરુણાકર , કરુણા વરસાવો, મારો જીવનદીપ જગાવો…
હે કૃષ્ણ! કૃપા વરસાવો

કરમાં પહેર્યા ભક્તિકંકણ, કંઠે વૈજંતી માળ
નૂપુરે રણકે, રાધા! રાધા! મન મીરાં કરતાલ
કરુણાકર, કરુણા વરસાવો, મારે રૂદિયે રાસ રચાવો…
હે કૃષ્ણ! કુપા વરસાવો

નિકટ નિરંતર રહો નાથ, શાને દર્શનથી હું દૂર?
“હું’ને ભૂલી નિત્ય સાંભળું, તવ મુરલીના સૂર
કરુણાકર, કરુણા વરસાવો, આવો હરિ આવો…
હે કૃષ્ણ! કુપા વરસાવો

– ડો નિભા હરિભક્તિ

સ્વર : અનિકેત ખાંડેકર

Older Entries

@Amit Trivedi