તું ના કહે હું હા કહું

Comments Off on તું ના કહે હું હા કહું

 

તું ના કહે હું હા કહું કેવી અજબ છે જિંદગી
વ્હેતી રહે છે જળ સમી કેવી ગજબ છે જિંદગી

ફરતા ફરે સપનાં સજાવી હાથની રેખા મહીં,
કોને મળેલી છે પૂછજો મરજી મુજબની જિંદગી.

વેરાન રણ શાં વિસ્તરે છે ઝાંઝવાં નજરો મહીં
છીપે તરસ ના તોય પીવાની તલબ છે જિંદગી

હેતાળ જળ શીતળ લઈ વગડે મળે થૈ વીરડી
વેરાન પંથે લાગણી કેરી પરબ છે જિંદગી.

જીવી શકે તું મોજથી લૈ મૌન નો સાગર ભરી,
કૈ રાઝ રાખે છે છુપાવી બાઅદબ છે જિંદગી.

  • કવિ દાજી

સ્વર : પિતાંબર પારઘી

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે

Comments Off on રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે

 

રસ ઘૂંટી, રસપ્રદ બનાવી લ્હાવો લે છે
સાચ-જૂઠને ચાવી-ચાવી લ્હાવો લે છે

દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે

ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
હકીકતોને હચમચાવી લ્હાવો લે છે

પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
ઝરણાનું ટેટું ચીપકાવી લ્હાવો લે છે

ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
સિતાબાઇ પીંજર પઢાવી લ્હાવો લે છે

સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
વાતે-વાતે નામ વટાવી લ્હાવો લે છે

સો ટચનો કોઇ શબ્દ પારખી તું પણ લઇ જો
જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે

  • સંજુ વાળા

@Amit Trivedi