ફુલ કેરા સ્પર્શથી

Comments Off on ફુલ કેરા સ્પર્શથી

 

 

ફુલ કેરા સ્પર્શથી  પણ    દિલ  હવે   ગભરાય છે,
એને રુઝાયેલા    ઝખ્મો યાદ  આવી    જાય  છે,

કેટલો   નજીક   છે  આ     દુરનો    સંબંધ  પણ,
હું હસું  છું એકલો   એ    એકલા   શરમાય   છે.

કોઈ     જીવનમાં    મરેલા    માનવીને   પુછજો,
એક  મૃત્યૃ   કેટલા   મૃત્યૃ   નિભાવી  જાય    છે.

આ  વિરહની   રાત   છે   તારીખનું   પાનું   નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક    પ્રણાલીકા   નિભાવું છું, લખું છું  ‘સૈફ’ હું,
બાકી   ગઝલો   જેવું જીવન હવે ક્યાં જીવાય છે

– ‘સૈફ’ પાલનપુરી

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન :પુરૂષોત્તમ ઉપાધ્યાય

આવ્યાં હવાની જેમ

Comments Off on આવ્યાં હવાની જેમ

 

 

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન,એ ઘટા,એ ઘૂંટ, સહુ સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં!

– રાજેન્દ્ર શુકલ

સ્વર : બંસરી ભટ્ટ
સ્વરાંકન : હરેશ બક્ષી

@Amit Trivedi