વાદલડી રોજ મારા આંગણિયે આવીને
રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુંં જ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે,
ભીંજાતા શીખવું હું ચાલ. લૂચ્ચો વરસાદ,
મને ટાણે-કટાણે ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુ જ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર તને
વાત હવે કેમે સમજાવું?
પળભરમાં ધોધમાર, પળમાં તું શાંત,
અલ્યા! વરસીને આવું તરસાવે?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી

સ્વર અને સ્વરાંકન : ડો સુહાની શાહ
સંગીત : સુગમ વોરા