પહેલે વરસાદે, કેમ કરી પામવા

Comments Off on પહેલે વરસાદે, કેમ કરી પામવા

 

પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછુટ્યું બાણ;

ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;

ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.

– નીતા રામૈયા

સ્વર : રેખા ત્રિવેદી

સ્વરાંકન : સુરેશ જોશી

તું નહીં જાણે

Comments Off on તું નહીં જાણે

 


તારા તે

કાનુડાને તું નહી જાણે રે
જાણું હું જેટલો જશોદા!
ગોકુળના મારગડે રોકિને રાધિકા,
કરતો રે દિલ કેરા સોદા!

તારા તે
આકાશે ઊડતાં પંખીને વીંધીને
પાડે છે પળમાં નીચે,
નમણી નાજુક ગોપીને બાથ ભરી
કદંબની ડાળ પર હીંચે.

તારા તે
જમનાનાં જળ મહીં મારીને ભૂસકા
ખેલે છે પ્રીતીના ખેલ.
ડૂબકી લગાવતાં લગાવતાં રાધાની
ડૂબાડે મોંઘેરી હિલ.

  • ભુપેન્દ્ર વકીલ

સ્વર : ફોરમ સંઘવી
સ્વરાંકન : સુનીલ રેવર

એક પંખી આવીને ઉડી ગયું

Comments Off on એક પંખી આવીને ઉડી ગયું

 

એક પંખી આવીને ઉડી ગયું
એક વાત સરસ સમજાવી ગયું
એક પંખી આવીને ઉડી ગયું

આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે
ખાલી હાથે આવ્યા એવાં , ખાલી હાથે જવાનું છે
જેને તે તારું માન્યું તે તો , અહીંનું અહીં સૌ રહી ગયું
એક પંખી આવીને ઉડી ગયું

જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ઉડી જાતું
સાગા સંબંધી માયા મૂડી સૌ મૂકી અલગ થાતું
એકલવાયું આતમ પંખી, સાથે ના કઈ લઇ ગયું
એક પંખી આવીને ઉડી ગયું

પાંખોવાળા પંખીઓ જે ઉડી ગયા આકાશે
ભાન ભૂલી ભટકે ભવરણમાં, માયા મૃગજળના આશે
જગતની આંખો જોતી રહીને પાંખ વિના એ ઉડી ગયું
એક પંખી આવીને ઉડી ગયું

ધર્મ પૂણ્યની લક્ષ્મી ગાંઠે, સતરમાનો સથવારો
ભવસાગર તરવાની વાતે અન્ય નથી કોઈ આરો
જતા જતા પંખી જીવનનું, સાચો અર્થ સમજાવી ગયું

સ્વર : નિશા ઉપાધ્યાય

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!

Comments Off on જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!

 

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ્‌ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

  • રવિ ઉપાધ્યાય,

સ્વરકાર : પ્રકાશ ઉપાધ્યાય

સ્વર : પુરુષોત્ત્તમ ઉપાધ્યાય

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?

Comments Off on કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?

 

 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહ્યો
ને ખુદા, તું એમ વરતે છે, કે કોઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માંગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

– દેવદાસ ‘અમીર’

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

Older Entries

@Amit Trivedi