અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?

Comments Off on અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?

 

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?
દોસ્ત ઢળતી સાંજનો અવસાદ*પણ શું ચીજ છે?

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે?

ખોતરે છે જન્મ ને જન્માન્તરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે?

‘મૃત્યુ’ જેવા માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે?

એ બની રહી આજ પર્યન્ત મારી સર્જકતાનું બળ
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે?’

  • મનોજ ખંડેરિયા

સ્વર :અમર ભટ્ટ
સ્વરાંકાન : અમર ભટ્ટ

*અવસાદ: ખેદ

વજન કરે તે હારે રે મનવા..

Comments Off on વજન કરે તે હારે રે મનવા..

 

વજન કરે તે હારે રે મનવા..
ભજન કરે તે જીતે..
તુલસી દલ થી તોલ કરો તો..
બને પવન પરપોટો..
રે મનવા ભજન કરે તે જીતે..

અને હિમાલય મૂકો હેમ નો..
તો મેરૂ થી મોટો..
આ ભારે હળવા હરિવર ને..
મૂલવવો શી રીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..

એક ઘડી તને માંડ મળી છે..
આ જીવતર ને ઘાટે..
સાચ ખોટ ના ખાતા પાડી..
એમાં તું નહિ ખાટે..
સ્હેલીશ તું સાગર મોજે કે..
પડ્યો રહીશ પછીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..

આવ હવે તારા ગજ મૂકી..
વજન મૂકી ને ફરવા..
નવલખ તારા નીચે બેઠો..
ક્યા ત્રાજવડે તરવા..
ચૌદ ભુવન નો સ્વામી આવે..
ચપટી ધૂળ ની પ્રીતે..
રે મનવા ભજન કરે તે જીતે..
વજન કરે તે હારે રે મનવા..

  • મકરંદ દવે

સ્વર : નયન પંચોલી

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે

Comments Off on મેં તો સૂરજને રોપ્યો છે આંગણે

 

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ

મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…


હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉંબધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં

મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…


કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,

હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…


–   મિલિંદ ગઢવી


સ્વર : વ્રતિની ઘાડગે

સંગીત : કેદાર – ભાર્ગવ

@Amit Trivedi