વાદલડી રોજ મારા આંગણિયે

No Comments

 

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે,
ભીંજાતા શીખવું હું ચાલ.
લૂચ્ચો વરસાદ, મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે
કેમ એને પાછી હું લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર, પળમાં તું શાંત,
અલ્યા, વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે…

  • ચૈતાલી જોગી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : સુહાની શાહ
સંગીત : સુગમ વોરા

કોરી-કોરી પાટી જેવો

No Comments

 

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.

અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.

દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…

– વંચિત કુકમાવાલા

સ્વર : પ્રગતિ મહેતા
સ્વરાંકાન : સુગમ વોરા

છલ છલ છલ ઓરે જમુનાના જળ

No Comments

 

છલ છલ છલ ઓરે જમુનાના જળ
જઈને કહો સાવરિયાને
એક ઝંખે ગોપી પલ પલ પલ.


એના ગૂંથે નહીં એ ફૂલડે કેશ,
એની આંખડીએ ના આંજે મેંશ,
એનો મલીન થયો કઈ રઝળી વેશ,
તોય ચરણો કહે એને ચલ ચલ ચલ.
છલ છલ છલ ઓરે જમુનાના જળ.


આ એજ કદંબની છાયા
જ્યાં બંસી સ્વર રેલાયા,
લાગી મનમોહનની માયા
ખીલ્યા પ્રાણ પુષ્પના રે દલ દલ દલ
છલ છલ છલ ઓરે જમુનાના જળ.

  • જયંત પલાણ

સ્વર : ઐશ્વર્યા મજમુદાર અને પરાગી અમર
સંગીત : ગૌરાંગ વ્યાસ


તારા બગીચામાં રહેતી ગઈ

No Comments

 

તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

– પન્ના નાયક

સ્વર : કલ્યાણી કોથાલકર
સંગીત : અમિત ઠકકર

માંડવડી

No Comments

 

.
માંડવડીમાં જ્યોતિ ઝગમગાટ રે
એ જ્યોતે જ્યોતે હજરાહજૂર મારી માત રે
માંડવડીમાં શગે જળે દીપવાટ રે
એ વાટે વાટે હજરાહજૂર નોરતાની રાત રે.

બેઠું ગગન આવી, માંડવડીને ટોડલે
ગૂંથ્યા ચાંદા ને સૂરજ માએ અંબોડલે
માંડવડીનો મઢયો અનોખો ઘાટ રે
એ ઘાટે ઘાટે હજરાહજૂર મોરી માત રે

માંડવડીમાં છાબલડી ને છાબડીએ જુવારા
જુવારે જુવારે રમતાં માડી રાખણહારાં
માડવડીમાં વિશ્વ સમાણું ચેતનના ચમકારા
માંડવડીમાં નોરતાના રમતાં નવલખ તારા

માંડવડીમાં રંગ ભર્યા રળિયાત રે
એને રંગે રંગે હજરાહજૂર મા સાક્ષાત્ છે.

-અવિનાશ વ્યાસ

સ્વર : હેમા દેસાઇ

એક જ્વાલા જલે તુજ નેનનમાં

No Comments

 

        એક જ્વાલા  જલે તુજ  નેનનમાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું
          એક  વીજ   ઝલે    નભમંડળમાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          મધરાતના   પહોર  અઘોર  હતાં
                     અંધકારના  દોર  જ  ઓર   હતાં
        તુજ   નેનનમાં  મોર ચકોર   હતાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          અહા!  વિશ્વના દ્વાર ખુલ્યાં, ઉછળ્યાં
                   અહા!  અબધૂતને બ્રહ્મયોગ મળ્યાં
          અહા!  લોચન લોચન  માંહી ઢળ્યાં
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું

          દગ્બાણથી   પ્રારબ્ધલેખ   લખ્યાં
                     કંઈ  પ્રેમીએ   પ્રેમપંથી   પરખ્યાં
          અને આત્માએ આત્મનને ઓળખ્યો
                     રસજ્યોત  નિહાળી  નમું  હું  નમું
-મહાકવિ નાનાલાલ
સ્વરઃ  જનાર્દન રાવલ 

ઓ રે બેલી

No Comments

 

ઓ રે બેલી

ઓ રે બેલી સમદરિયા કરવા છે પાર રે

પળમાં તું હોડાં  ઉતાર કે જળ પાછા ઉતરી જશે હો જી

ઓ રે બેલી સાધીને રાખને નિશાન રે
સબધાં  કરી લે સુકાન પાણીમાં ચીલા જડશે નહીં હો જી

ઓ રે બેલી મધદરિયે ભારે ઉછાળ રે
પવનોના નહીં આવે પાર હીયાની મોજે ઉંચકી જશે હો જી

ઓ રે બેલી સામેના કિનારે તારા ગામ રે
જળ વચ્ચે નભને જગાડ એવું જો તારી સુરતા કહે હો જી
જળ વચ્ચે નભને જગાડ એવું જો તારી સુરતા કહે હો જી

-ધ્રુવ ભટ્ટ

સ્વર : શ્યામલ ભટ્ટ

લીલી છમ્માક હોય પર્વતની ધાર

No Comments

 

લીલી છમ્માક હોય પર્વતની ધાર
અને તડકા છાયાની હોય ભાત
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ
ધોધમાર વરસ્યાની વાત

આખી વણજાર ક્યાંક રોકાશે રાત
પછી નદીએ નાહ્યાનો સમો આવશે
એટલીક આશાના તાંતણાને અંત લગી
ચાલ્યા કરવાનું કેમ ફાવશે

વાદળીને કોકવાર થશેકે ચાલ ક્યાંક લીલેરું કરીએ વેરાન

ચૈતરની ચાંદનીને પૂછ્યું
કે બોલ અલી ફળિયું ઢળાય છે કે ઢોલિયા
મલકાતી જાય અને વળતું બોલી કે
તમે માણસ જીવ્યાં કે નર્યા ખોળિયા

વાતુંનો ભાર હોય રઢિયાળી રાત અને ઘેરાતી હોય જારી આંખ

– ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

એક ફૂલ ઊઘડતું જોયું

No Comments

 

એક ફૂલ ઊઘડતું જોયું
જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા
કારણ પુછોતો અમે જાણીએ ન કાંઈ
અને છાબ છાબ આંસુએ રોતાં ગયાં

જોયું કે સૂમસામ સૂતેલા વગડામાં
એક ઝાડ ઝબકીને જાગ્યા કરે
આવતા ઉનાળાના સમ દઈ મંજરીઓ
કોકિલના ટહુકાને માંગ્યા કરે

આપવું કે માંગવું ની અવઢવ છોડીને
અમે સર સર સર સાનભાન ખોતા ગયા

ડાહ્યા સમજાવે કે ઝાડવું થવાય નહિ
આપણો તો માનવીનો વંશ છે
કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહિ
એવો આ ઝાડવાનોય દંશ છે

માણસની જાત અને ડાહ્યાની વાત
બધું હમણાં હતુંની જેમ હોતા ગયા

  • ધ્રુવ ભટ્ટ

સ્વર : સોહની ભટ્ટ
સ્વરાંકન :શ્યામલ ભટ્ટ

જાગ્યા મારાં સપનાં વીણપાર

No Comments

 

જાગ્યા મારાં સપનાં વીણપાર
સંતો ભાઈ જાગ્યા મારાં સપના વીણપાર

સપને સાંઠીકા મેં તો ભાળીયાં હો જી
લઇ અમે ઉડિયા અંકાશ
સંતો રે સાધો લઇ અમે ઉડિયા અંકાશ

વિના કોઈ આધારે દળમાં વાવીયા હો જી
વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
સંતો ભાઈ વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર

નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હોજી
ઝૂલેને બોલાવે આવો આમ
સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ

આવો ને લઇ જાજો મારાં છાંયડા હો જી
એવાં છાંયે પોઢાડી લઇ જાત
સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઇ જાત
સપને ઊંઘ્યાં ને સપને જાગીયા હો જી

-ધ્રુવ ભટ્ટ

સ્વર : શ્યામલ ભટ્ટ

Older Entries

Contact Us On WhatsApp @Amit Trivedi