સોળ વરસની અજાણ ઉંમર

Comments Off on સોળ વરસની અજાણ ઉંમર

સોળ વરસની અજાણ ઉંમર ને સાવ અજાણી કેડી
કોઈક અજાણ્યું ઘર ને એની સાદ પાડતી મેડી ..

આજુબાજુ કશું ના જોઉં પંથ પર ફૂલ પડ્યાં કે કાંટા
સાવનની હું થઇ બદરિયા। ઝરતી ઝીણા છાંટા
ક્યાંક રોપવા જાઉં જાતને મૂળથી મને ઉખેડી ..

ક્યાંક હવાના છોડ ઝૂલે છે પરસે મને સુગંધી
આજે હું છલકાઉં એટલી, હું નહીં મારામાં બંદી
કરનાં કંકણ, પગનાં નેપૂર, વરમાળા: નહીં બેડી ..

કવિ: સુરેશ દલાલ

સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર :અમર ભટ્ટ

છે સડક, દોડી શકાશે

Comments Off on છે સડક, દોડી શકાશે

 

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે
થાંભલો, આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

  • ચિનુ મોદી ‘ઇર્શાદ’

સ્વર : ડૉ. ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન : ડૉ. ફિરદૌસ દેખૈયા

@Amit Trivedi