લીલી છમ્માક હોય પર્વતની ધાર

No Comments

 

લીલી છમ્માક હોય પર્વતની ધાર
અને તડકા છાયાની હોય ભાત
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ
ધોધમાર વરસ્યાની વાત

આખી વણજાર ક્યાંક રોકાશે રાત
પછી નદીએ નાહ્યાનો સમો આવશે
એટલીક આશાના તાંતણાને અંત લગી
ચાલ્યા કરવાનું કેમ ફાવશે

વાદળીને કોકવાર થશેકે ચાલ ક્યાંક લીલેરું કરીએ વેરાન

ચૈતરની ચાંદનીને પૂછ્યું
કે બોલ અલી ફળિયું ઢળાય છે કે ઢોલિયા
મલકાતી જાય અને વળતું બોલી કે
તમે માણસ જીવ્યાં કે નર્યા ખોળિયા

વાતુંનો ભાર હોય રઢિયાળી રાત અને ઘેરાતી હોય જારી આંખ

– ધ્રુવ ભટ્ટ

સ્વર : જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

એક ફૂલ ઊઘડતું જોયું

No Comments

 

એક ફૂલ ઊઘડતું જોયું
જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા
કારણ પુછોતો અમે જાણીએ ન કાંઈ
અને છાબ છાબ આંસુએ રોતાં ગયાં

જોયું કે સૂમસામ સૂતેલા વગડામાં
એક ઝાડ ઝબકીને જાગ્યા કરે
આવતા ઉનાળાના સમ દઈ મંજરીઓ
કોકિલના ટહુકાને માંગ્યા કરે

આપવું કે માંગવું ની અવઢવ છોડીને
અમે સર સર સર સાનભાન ખોતા ગયા

ડાહ્યા સમજાવે કે ઝાડવું થવાય નહિ
આપણો તો માનવીનો વંશ છે
કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહિ
એવો આ ઝાડવાનોય દંશ છે

માણસની જાત અને ડાહ્યાની વાત
બધું હમણાં હતુંની જેમ હોતા ગયા

  • ધ્રુવ ભટ્ટ

સ્વર : સોહની ભટ્ટ
સ્વરાંકન :શ્યામલ ભટ્ટ

જાગ્યા મારાં સપનાં વીણપાર

No Comments

 

જાગ્યા મારાં સપનાં વીણપાર
સંતો ભાઈ જાગ્યા મારાં સપના વીણપાર

સપને સાંઠીકા મેં તો ભાળીયાં હો જી
લઇ અમે ઉડિયા અંકાશ
સંતો રે સાધો લઇ અમે ઉડિયા અંકાશ

વિના કોઈ આધારે દળમાં વાવીયા હો જી
વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
સંતો ભાઈ વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર

નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હોજી
ઝૂલેને બોલાવે આવો આમ
સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ

આવો ને લઇ જાજો મારાં છાંયડા હો જી
એવાં છાંયે પોઢાડી લઇ જાત
સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઇ જાત
સપને ઊંઘ્યાં ને સપને જાગીયા હો જી

-ધ્રુવ ભટ્ટ

સ્વર : શ્યામલ ભટ્ટ

Contact Us On WhatsApp @Amit Trivedi