વાદલડી રોજ મારા આંગણિયે

Comments Off on વાદલડી રોજ મારા આંગણિયે

 

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે,
ભીંજાતા શીખવું હું ચાલ.
લૂચ્ચો વરસાદ, મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે
કેમ એને પાછી હું લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર, પળમાં તું શાંત,
અલ્યા, વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે…

  • ચૈતાલી જોગી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : સુહાની શાહ
સંગીત : સુગમ વોરા

કોરી-કોરી પાટી જેવો

Comments Off on કોરી-કોરી પાટી જેવો

 

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.

અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.

દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…

– વંચિત કુકમાવાલા

સ્વર : પ્રગતિ મહેતા
સ્વરાંકાન : સુગમ વોરા

@Amit Trivedi