ઓ સિતમગર, દાદ તો દે મારી આ તદબીરને

No Comments

 

ઓ સિતમગર, દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.

રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં,
જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને.

વિંધનારાઓ બરાબર જાય છે મંજીલ ઉપર,
પંથ બદલે એ નથી આદત ગતીમય તીરને.

એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.

એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’,
બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને.

-મરીઝ

સ્વર : જગજીતસીંગ

ભીડ સાથે ચાલવાનું

No Comments

 

ભીડ સાથે ચાલવાનું, આપણાથી નહિ બને,
ને બધા જેવું થવાનું, આપણાથી નહિ બને.

તું, હૃદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું, આપણાથી નહિ બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા માંડ્યો બધી,
પણ તને સમજાવવાનું, આપણાથી નહિ બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી, દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું, આપણાથી નહિ બને.

આપણું અળગા થવું મંજૂર રાખ્યું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહિ બને.

મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ,
રોજ પથ્થર પૂજવાનું, આપણાથી નહિ બને.

-ગૌરાંગ ઠાકર

સ્વર : અસીમ મહેતા

હું સાંકડી ગલીમાં

No Comments

 

હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો.
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો

પાષાણ સમ હૃદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત,
તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઈ,
દરીયાની એટલે હું, ખારાશ પી જવાનો.

તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે,
મારા સીવાય કોને, હું છેતરી જવાનો ?

હું છું જ કૈક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વીવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

-ગૌરાંગ ઠાકર

સ્વર : અસીમ મહેતા

Contact Us On WhatsApp @Amit Trivedi