એવું રે અજાણ્યું સગપણ

Comments Off on એવું રે અજાણ્યું સગપણ

 

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગીને આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું

ઝાકળ સરીખું ઝલમણ બારણું, પગલે પાંપણનું ફ્લ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ સગપણ સાંભર્યું.

-માધવ રામાનુજ

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ

અલ્લાબેલી

Comments Off on અલ્લાબેલી

 

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.

બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

સ્વર : સૌનક પંડયા

@Amit Trivedi