જન્મોજનમની આપણી સગાઇ

No Comments

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

-મેઘબિંદુ

સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

આઘેના ડુંગરિયે ટહુક્યો મોર

No Comments

 

આઘેના ડુંગરિયે ટહુક્યો મોર
મારે રે ઉંબરિયે અવસર મ્હોરિયો
જમણી રે પાંપણીએ ફરક્યો રે તોર
ફરફરતાં તોરણિયે અવસર મ્હોરિયો.
આઘના ડુંગરિયે..

આકાશે ચમકી રે જળની રે તેગ
રોપેલા માંડવડે અવસર મ્હોરિયો.
ધરતીના પાલવડે પૂગ્યો રે મેઘ
મારા રે પાલવડે અવસર મ્હોરિયો.
આઘેના ડુંગરિયે…

ચાંદરણે ચૂવે છે જળનું રે તેજ
છલકાતી છાપરિયે અવસર મ્હોરિયો.
શમણાંને ઓઢાડ્યો અતલસ ભેજ
આંખ્યુંની ઓસરિયે અવસર હોરિયો
આઘના ડુંગરિયે…

ફળિયામાં આવીને પડિયું રે આભ
ડેલીના આંગણિયે અવસર મ્હોરિયો
જલધારે લખીયું રે શુભ અને લાભ
ઓકળિયે ઓકળિયે અવસર મ્હોરિયો
આઘના ડુંગરિયે…

-હર્ષદ ચંદારાણા

સ્વર : સાધના સરગમ
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી
સંગીત :રાહુલ મુંજારીયા

Contact Us On WhatsApp @Amit Trivedi