વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ

Comments Off on વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ

 

વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ

પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ બમ્બ પાંજરું પહોળું થયું

ઢોલ. ઢોલ. ઢોલ. ઢોલ. વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
ઝાલી મને કે મેં જ ઝાલી મને
જરી ઉડવા દીધી ને જરી ઝાલી મને

હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ
ઊંઘી જ નહીં તોય ઊંઘી જ નહીં
થોડા સપના જોવાને હાટુ ઊંઘી જ નહીં

હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
મારા ઓરતા ના ગાલ પર એક કાળો ટીકો

-સૌમ્ય જોશી

સ્વર :ભૂમિ ત્રિવેદી
સ્વરાંકન : મેહુલ સુરતી

કીડી સમી ક્ષણોની

Comments Off on કીડી સમી ક્ષણોની

 

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે ?

– રાજેન્દ્ર શુકલ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi