તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં

Comments Off on તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.

  • રમેશ પારેખ

સ્વર :રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક

એક ફેરા હું નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ

Comments Off on એક ફેરા હું નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ

એક ફેરા હું નદીએ ન્હાવા ગઈ તે દીની ગઈ.
ત્યારથી મારે ઘેર હું પાછી કોઈ દી આવી નઈ.

સૈ, રે મારા ઘરને હું સાત ખોટની વાત હતી રે
હેત એવાં કે ખરતી’તી હું ભીંતના વતી રે

હું બિચારી એકલું બધું ભીંતને કહેતી રે
નદીયુંથીયે જબરી વાતું ઓરડે વ્હેતી રે

કોણ આ મારા સરખી મને ગોતતી દીવો લઈ

નદીએ હતી એકલી ખોબોચપટી નદી રે
જળ દેખાડી ભોળવી ગઈ કપટી નદી રે

આપમાંથી આપણને તાણી જાય છે એવી રે
આપણા તે આ ગામની મૂઈ નદીયું કેવી રે

જળમાં મારાં કેટલાંયે મોં જાઉં, એમાં હું કઈ?

-રમેશ પારેખ

સ્વર : રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક

@Amit Trivedi