આંખોમાં આવી રીતે તું દશ્યો ન મોકલાવ

Comments Off on આંખોમાં આવી રીતે તું દશ્યો ન મોકલાવ

આંખોમાં આવી રીતે તું દશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલો તો પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, મારી માટે તું ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ,

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હતો કબૂલ
તું એને ધાર કાઢી પાછો ન મોકલાવ.

-રમેશ પારેખ

સ્વર : નયનેશ જાની

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

Comments Off on ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યાં રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછા પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલાં દડે રે લોલ
સૈ મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશ પાડોશમાં ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યાં રે લોલ
લોલ, મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યાં કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યાં કરે રે લોલ

-રમેશ પારેખ

સ્વર : ગાર્ગી વોરા

ભીતરનો ભેરુ

Comments Off on ભીતરનો ભેરુ

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

-અવિનાશ વ્યાસ

સ્વર : સાધના સરગમ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ

Comments Off on ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ

રૂપ કૈફી હતું આંખો ઘેલી હતી

Comments Off on રૂપ કૈફી હતું આંખો ઘેલી હતી

 

બચ્યાં છે કેટલાં એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો કલાક દિવસ માસ વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

રૂપ કૈફી હતું આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું ભીના કંપન હતા એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી ખૂબ અઘરી હતી સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી હોઠ તો ચૂપ હતા જો હતો તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું હું તને ચાહું છું જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઈ ગઈ પણ દૂર જઈ ના શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

-શોભિત દેસાઈ

સ્વરઃ પંકજ ઉધાસ

Older Entries Newer Entries

@Amit Trivedi