લ્યો જરાક અટકો

Comments Off on લ્યો જરાક અટકો

લ્યો જરાક જીવણ અટકો,લ્યો સોપારીનો કટકો,
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

જીવણ જરિયલ જામા ઉપર ઝૂલે મારો વાળ
એને ભાળી તમ પટરાણી કરશે કંઇ કંઇ આળ
ચક માંહે ચમકે છે ચાડીયો, ઉજાગરાનો ચટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

મીરાં કે પ્રભુ પાછા ક્યારે પધારશો આ પે’ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

– રમેશ પારેખ

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન :સુરેશ જોશી

તમે જુઓ તે અમે ન સાજન

Comments Off on તમે જુઓ તે અમે ન સાજન

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન
અમે તમારે શમણે મ્હોર્યાં, રૂપ રૂપનાં વન

આંખ તમારી જુએ સપાટી અમે છુપાયા તળિયે
ભીતરને તળ તરો સજન તો રતન સમા સાંપડીએ

ફૂલ ફૂલમાં ફોરમ ફોરમ અમે વસંતી યૌવન
તમે જુઓ તે છીપ સજનવા, અમે માંહ્યલાં મોતન

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન

તમે સુણો તે શબ્દ અમે ના, અમે નીરવ નીતરીએ
અમે ન રેશમ સ્પર્શ, અમે એકાંત ભરી ઊભરીએ

અમે લહેર આંસુની સાજન, તમે છલકાતાં લોચન
અમે તમારી મરુભોમના ઝરમર ઝરમર સાવન

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન

-ચંદ્રકાન્ત દત્તાણી

સ્વરઃ શ્રદ્ધા શ્રીધરાણી

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી

Comments Off on એ જ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શકતું નથી
છે સમજનું ફૂલ, ચહેરા પર તરી શકતું નથી

એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતા
કોઈ પણ તડકા વિશે વાતો કરી શકતું નથી

આવનારી પણ બધી વાદળ બની ઘેરાય છે
આ અષાઢી આંગણું કાજળ બની શકતું નથી

સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે
કોઈ એવા દ્રશ્યના ખોબા ભરી શકતું નથી

-દિલીપ જોશી

સ્વર : રાજેશ વ્યાસ

@Amit Trivedi