“અરે ઓ બેવફા સાંભળ તને દિલથી દુઆ મારી
બરબાદ ભલેને થાતો હું આબાદ રહે દુનિયા તારી”

શાને ગુમાન કરતો ફાની છે જિંદગાની
આ રૂપને જવાની એક દિન ફના થવાની.
શાને ગુમાન..

રડતાઓને હસાવે, હસતાઓને રડાવે,
કુદરતની એક ઠોકર ગર્વિષ્ઠને નમાવે.
દુનિયામાં સિકંદરની પણ ના રહી નિશાની.
શાને ગુમાન..

પછડાય જલ્દી નીચે દેખાય છે ઉછાળો,
કુદરતે ચંદ્રમાં પણ મૂકયો છે ડાઘ કાળો.
સમજુ છતાં ન સમજે છે વાત મૂર્ખતાની.
શાને ગુમાન..

આ જિંદગીનો દીવો પળમાં બુજાઈ જાશે,
ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ ખાશે.
માટે વિનય કરું છું બનતો ના તું ગુમાની.
શાને ગુમાન..

-રમેશ ગુપ્તા

સ્વર : તલત મહેમુદ

સ્વરાંકન : કેસરી મિસ્ત્રી