મને પણ હું મારામાં ખોલી શકું તો

Comments Off on મને પણ હું મારામાં ખોલી શકું તો

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : મેહુલ સુરતી

વનની તે વાટમાં તું ભૂલી પડી રે

Comments Off on વનની તે વાટમાં તું ભૂલી પડી રે

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

ગાયકઃ પરાગી પરમાર
સ્વરાંકન : છીપા
સંગીત : અમિત ઠક્કર

@Amit Trivedi