સરસ વાત કરવાનો મોકો મળ્યો

Comments Off on સરસ વાત કરવાનો મોકો મળ્યો

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

-ચિનુ મોદી

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

સાંજ પડીને ઘેર રહ્યો તો ખોળી

Comments Off on સાંજ પડીને ઘેર રહ્યો તો ખોળી

સાંજ પડીને ઘેર જવા હું સાથ રહ્યો તો ખોળી,
દીઠી મેં ત્યાં .. આવતી સામે..(૨) બાળા એક ભોળી,
સાંજ પડીને ઘેર જવા હું…

દીઠા તેના નેણ સુહાગી, સુહાગી નેણ તેના,
ધીમે રહીને પૂછ્યું તેને કોની કહે તું બહેના?!
લજામણીના છોડ સમી તે નમણી નાજુક વેલ,
બોલ સૂણીને આંખ ઢળી તે, આંખ તે નમેલી,
સાંજ પડીને ઘેર જવા હું…

કાળા કાળા કેશ તારા, કેશ તારા કાળા (૨)
દિન સાથે બેસી રજનીએ ગૂંથ્યા ક્યારે બાળા?(૨)
ગૌર ભરેલા વદને તેને ગોરા મુગ્ધ ગાલે,(૨)
નાનકડા બે ગુલાબ ખીલ્યા, ઊષા ખીલી કંઈ ગાલે (૨)
સાંજ પડીને ઘેર જવા હું…

અધીર ડગલા ભર્યા આગળ, ડગ ભર્યા મેં ચાર,
ઊંચી નીચી થતી મેં તેને, હૈયે દીઠી માળ (૨)
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી,
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ઊઘાડી ..(૨)
સાંજ પડીને ઘેર જવા હું…
વેણી માથે ફૂલ ગૂંથ્યા મેં, ફૂલ ગૂંથ્યા મેં સાત,
કંઠે મારે રહ્યા વીંટાઈ નાજુક તે બે હાથ…!(૨)

-ઝીણાભાઈ દેસાઈ- ‘ સ્નેહરશ્મિ ‘

સ્વર : નયન પંચોલી

સ્વરાંકન : છીપા

સંગીત : અમિત ઠક્કર

@Amit Trivedi