લોક કહે ડુંગર પર ઊગ્યા છે ઝાડ

Comments Off on લોક કહે ડુંગર પર ઊગ્યા છે ઝાડ

લોક કહે ડુંગર પર ઊગ્યા છે ઝાડ
મારે ઝાડવામાં ડુંગર રમમાણ છે

આખોયે દેશ સાવ વાદળ થઈ જાય
એવા નકરા જાદુનું આ કામ છે

કાળ – જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી
આકરી વ્યથામાં સહેજ જોવું

અંદર છે ઝરણાંને રણઝણતું રાખવાને
આખાયે જંગલનું હોવું

ક્યાંક કોઈક કોળે તો એક વાત જાણીએ
કે જંગલ તો ઉગવા નું જ્ઞાન છે

મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી
જંગલ ની વાર્તાઓ થાય નહીં

રંગ રુપ ગંધ સ્વાદ શબ્દ ઢોલ થાપ વિના
જંગલ ના ગીતો ગવાય નહીં

જંગલ તો હાથ મૂકો છાતીએ ને સાંભળી લો
એવા થડકારાનું નામ છે

-ધૃવ ભટ્ટ

સ્વર : સુપર્ણા બેનર્જી દાસ
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય

એક છોકરીના હાથથી રૂમાલ પડે

Comments Off on એક છોકરીના હાથથી રૂમાલ પડે

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

-રમેશ પારેખ

સ્વર: શંકર મહાદેવન
સ્વરાંકન: શ્યામલ મુનશી

@Amit Trivedi