સાયબો મારો રતુંબડો ગુલાબ રે

Comments Off on સાયબો મારો રતુંબડો ગુલાબ રે

 

સાયબો મારો રતુંબડો ગુલાબ રે, જુનાગઢ શહેરની બજારમાં
એની આંખનો ઉલાળો, એના છોગલીયાનો ચાળો
કરતો રે કરતો ઓળઘોળ રે, જુનાગઢ શહેરની બજારમાં

ચસચસતું કેડિયુંને ચમચમતી મોજડી, હોય રે આંજેલ રૂડી આંખડી
નજર્યુંમાં ભરતો એવો કેફ રે કસુંબલ, એની જોઇને ખીલ્યું રે ફૂલ પાંખડી
એને ધસમસતો વારો, એના તનડા ઓવારો,
જાણે લીલુડો ઉગ્યો કોઈ થોર રે, જુનાગઢ શહેરની બજારમાં

મનનો માણીગર મારો શીદને ખોવાયો, ભમતો ભાતીગળ જો ને ક્યાં રે સમાયો
ફાટ પડી હૈયામાં થરથરતી કાયા, સખી મારી કહેને એ ક્યાં રે સંતાયો
ઓલ્યો કેસરી શરમાયો , જાણે જશોદાનો જાયો
હું તો થઈ ગઈ રે રાતીચોળ રે જુનાગઢ શહેરની બજારમાં

-તુષાર શુક્લ

સ્વર : સ્મિતા શાહ
સ્વરાંકન : નયનેશ જાની

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

Comments Off on જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ
વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ

ઉત્તરદિશિ અમ્બાદેવ્યાઃ આશિર્વાદૈઃ અલંક્રૂતમ્
મધ્યે મહાકાલિકાસ્થાનં રક્ષાહેતું પ્રતિષ્ઠિતમ્
ક્રુષ્ણસ્ય દ્વારિકાપીઠં અશેષ વિશ્રે વિખ્યાતમ્
કલ્યાણકરત્નાકરતીરે સોમનાથઃ સંપૂજિતમ્
અવતુ અવતુ અવતુ ગુજરાત અવતુ

ગાંધીગિરા હ્રદયેધ્રૂત્વા ગુજરાતીત્વં સંભૂતમ્
સરદારસ્ય દ્ર્ઢસંકલ્પમ શ્રેત્રે શ્રેત્રે સમર્થિતમ્
પંચશક્તિ સંકલ્પિતશાસન દેશ વિદેશે પ્રશંસિતમ્
વિકાસયાત્રા ગ્રામે ગ્રામે નગરે નગરે શોભિતમ્
ભવતુ ભવતુ ભવતુ કલ્યાણં ભવતુ

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

– ભાગ્યેશ જહા

સ્વર : પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા
સ્વરાંકન : મેહુલ સુરતી

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો

Comments Off on જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો

જેને લીધે હું કોઈ બીજાનો નથી રહ્યો,
એનો જ સાથ મારે સદાનો નથી રહ્યો.

સૌ સાંભળે છે વાત અગર સુખની હોય તો,
દુઃખ કહી શકાય એવો જમાનો નથી રહ્યો.

આખા જગતને હક છે-કરે મારા પર પ્રહાર,
હું કઈ હવે તમારી સભાનો નથી રહ્યો.

લૂંટી રહ્યો છે જગની મજાઓ જે માનવી,
એ માનવી જ આજ મજાનો નથી રહ્યો.

મારી ગરીબી જોઈ રડે છે હવે બીજા,
મારે તો આંસુનોય ખજાનો નથી રહ્યો.

શયતાનને ય જેની કસોટીમાં રસ પડે,
ઇન્સાન એવો બંદો ખુદાનો નથી રહ્યો.

એ પણ મદદ કરે છે ફક્ત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો.

બેફામ જન્મતાં જ કઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો.

-બેફામ

સ્વર : સુધીર ઠાકર

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર

Comments Off on તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર

તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલો મખમલીયો અર્થ
અમે પ્રશ્નો, ઉદગાર ને વિરામ
તમે પળવાર પહોંચવાનો સીધો રસ્તો,
અમે રસ્તામાં આવતા મુકામ

તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા
તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ

તમે આભ લગી જાવાની ઉંચી કેડી
અમે કેડીનો ઉતરતો ઢાળ
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર
અમે માટીના કૂંડા ને ક્યારા

તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીના ચાખેલા બોર

તમે મંદિરની સન્મુખ છો ઝાલર રણકાર
અમે દૂર રહી વાગતા નગારા

-મુકેશ જોશી

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની

શ્રાવણની એ સાંજ હતી

Comments Off on શ્રાવણની એ સાંજ હતી

શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતી
સરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….

આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછી
એ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાઝ હતી
શ્રાવણની એ સાંજ હતી….

શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણની
ઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનની
નીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનો અવાજ હતી
શ્રાવણની એ સાંજ હતી….

-અવિનાશ વ્યાસ

સ્વર :સાધના સરગમ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Older Entries

@Amit Trivedi