મૈં તો રામજી રતનધન લાસ્યાં

No Comments

મૈં તો રામજી રતનધન લાસ્યાં
હે માઁ ગુરુજી રા ચરણાં મેં જાસ્યાં

તન મન ધન માતા અર્પણ કરસ્યાં
મેં તો મહેંગી મહેંગી વસ્તુ મોલાસ્યાં
રામનામકી જહાજ બનાસ્યાં મેં તો
ભવસાગર તર જાસ્યાં

અડસઠ તીરથ માતા ગુરુ ચરણામેં
મેં તો અરસ પરસ ગંગા ન્હાસ્યાં
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
મેં તો શીસ નારેલ વધાસ્યાં’

-મીરાંબાઈ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ

ચેતના, સંવેદના ને લાગણી તરફ

No Comments

ચેતના, સંવેદના ને લાગણી તરફ,
આપણે પાછા વળીએ આપણી તરફ.

સર્વનાશી ક્ષણ પછીનો માનવીનો પ્રેમ,
જો મળે તો હું ઢળું એ માગણી તરફ.

તીર જેવાં તીક્ષ્ણ ચહેરાની લડાઈ આ,
આંસુને પાછાં ધકેલો છાવણી તરફ.

મુઠ્ઠી છોડો એક આલિંગન નજીક છે,
હાથ ફેલાવી જુઓ એ તાપણી તરફ.

બહુ થયું ઓછી કરો આ કાપણી હવે,
હાથને વાળો હવે કોઈ વાવણી તરફ.

           

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ મુનશી
સ્વરાંકન : શ્યામલ મુનશી

બાઈ હું તો કટકે કટકે કપાઉં

No Comments

બાઈ હું તો કટકે કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા,
લાખ રે ચોર્યાશી ફેર નથી મારે ફરવા.
બાઈ હું તો નમતું ઝોખું ને ના તોળાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઈ મીરાં કહે મારા ઘટમાં ગુજારો,
ઘૂમ્યો રે વંઠેલ મારા મનનો મુંઝારો.
બાઈ હું તો ઘણું રે લખું ને ના વાંચાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

-સુરેન ઠાકર ‘મેહુલ’

સ્વર : નિશા કાપડિયા ઉપાધ્યાય
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

No Comments

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

-રમેશ પારેખ

સ્વર : આશિત દેસાઈ, હેમા દેસાઈ

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી

No Comments

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી,
એજી એને પડતાં ન લાગે વાર… મૂળ રે૦

એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર… મૂળ રે૦

એને સતનાં તે ખાતર પુરાવજો,
એની પાલ્યું પહોંચી પિયાની પાસ… મૂળ રે૦

એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમર ફળ કહેવાય… મૂળ રે૦

કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે… મૂળ રે૦

-રવિ સાહેબ

સ્વર : કલ્યાણી કૌઠાળકર

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Older Entries

@Amit Trivedi