શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે ગમ્યું તે ગાયું છે જે પીધું તે પાયું છે,મ્હેંતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઈ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું ‘તું, અશ્રુ એ જે સાર્યું’તું
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં

-તુષાર શુક્લ

સ્વર : આરતી મુનશી
સ્વરાંકન : આશિત દેસાઈ