જિન્દગીને જીવવાની
Apr 14
ગઝલ Comments Off on જિન્દગીને જીવવાની
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી
દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.
કંઈક વેળા કંઈક મુદ્દતને અમે માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.
એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
-મરીઝ
સ્વર:અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ