સોના વાટકડી જેવું આ કાળજું

Comments Off on સોના વાટકડી જેવું આ કાળજું

 

:

 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની વ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટકયું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી,
કયારનો ઉજાગરાનો દીવો બળે છે :
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

-પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઈ

કેમ રે વિસારી ઓ વનના વિહારી

Comments Off on કેમ રે વિસારી ઓ વનના વિહારી

કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી
કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભૂલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મૂકીને મુને મુરલી ધારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી

કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી

નિત્ય નિરંતર મુજ અંતરમાં તુજ વાજિંતર બાજે
કહે ને મારા નંદ દુલારા હૈયું શેને રાજી
તારી માળા જપતી વનમાં ભમતી આંસુ સારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી

કેમ રે વિસારી ઓ વનના વિહારી
તારી રાધા દુલારીને કેમ રે વિસારી

-અવિનાશ વ્યાસ

સ્વર : પુરૂષોતમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોતમ ઉપાધ્યાય

પરપોટો પાણીમાં મુંઝાય

Comments Off on પરપોટો પાણીમાં મુંઝાય

પરપોટો પાણીમાં મુંઝાય, હો ખલાસી
પાણીમાં મુંઝાય હો રે,
પાણીથી મુંઝાય હો રે,
પાણી માંથી કેમ કરી અળગાં થવાય?

પાણીમાં બંધાણું એનું પોત હો, ખલાસી
અને પાણીમાં છપાણું એનું નામ
સામું ગામ પરપોટા સોંસરું દેખાય
અને પરપોટો ખૂંત્યો અહીં આમ;
અરે પાણીમાં રહેવાં ને પાણીમાં ના રહેવાય
પરપોટો પાણીમાં મુંઝાય

પાણીમાં દેખાય આખું આભ હો, ખલાસી
એમાં કેમ કરી ઊડવા જવાય?
પાંગળા તરાપા અને હોડીયું ય પાંગળી
કેે પાણીમાં તો એ બૂડે, ભાઈ
અરે, પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય
પરપોટો પાણીમાં મુંઝાય

-રમેશ પારેખ

સ્વર : શ્રૃતિ વૃંદ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

હવે માધવ મેળવશે તો મળશું

Comments Off on હવે માધવ મેળવશે તો મળશું

હવે માધવ મેળવશે તો મળશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…
વરણાગી વાયરે વિહરશું, સખી

હવે માધવ મેળવશે તો મળશું….
મોરલાના ટહૂકે દીધો મોહનને સાદ
અને વાયરાને વાંસળી અપાવી મેં યાદ
લહેરખીએ ગોપીગીત ગાશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…

મીસરી ને માખણની દીધી છે આણ
દર્શનની ઝંખના, મારગ અજાણ
અમે સપનાને સથવારે ચાલશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું…

કોરા કાળજડામાં કોતરીશું કહાન
અહીં વ્રજરજમાં વેરાયું માધવનું વહાલ
એના પગલાંની છાપ અમે ગોતશું, સખી
હવે માધવ મેળવશે તો મળશું, સખી.

-ડૉ નિભા હરિભક્તિ

સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

આંગણામાં તુલસીના સાત સાત છોડ

Comments Off on આંગણામાં તુલસીના સાત સાત છોડ

આંગણામાં તુલસીના સાત સાત છોડ
એને પાંચ પાંચ આંગળીએ પૂજ્યા,
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

મટોડીશી લાગણીએ ફળિયું લીપ્યું
ને મોભને તો શગથી શણગાર્યા,
ખાલીખમ ગોખલામાં ભરિયા ઉમંગ,
ભીતે અવસરના ચાકળા બાંધ્યા.

ખૂણે છૂપાઈને ડોકાતા રોજ,
ઈ આંસુને હળવેથી લૂછ્યા
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

અંધારા જીરવતા ઉંબરને આજ
તેજના તે ઘૂંટ હવે પાયા,
ઘરના ખૂણામાં ચાર દિશાઓ મ્હોરી
ને તુલસીના પાન હરખાયાં.

સોનેરા આભની કિનખાબી કોર લૈ.
ભવના તિમિર બધા ભૂંસ્યા.
કે આજ મારા કોડિયામાં, સૂરજદેવ ઊગ્યા.

-નીતિન વી મહેતા

સ્વર : શેખર સેન
સ્વરાંકન : શેખર સેન

Older Entries Newer Entries

@Amit Trivedi