રાત દિવસનો રસ્તો વ્હાલમ

Comments Off on રાત દિવસનો રસ્તો વ્હાલમ

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખુટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
અહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..

-સુરેશ દલાલ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?

Comments Off on બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?

આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઊગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા
ભીનાશ
સમય બપોર થયો કે નહીં… બોલ..

સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં… બોલ..

-મુકેશ જોશી

સ્વર : આકાશવાણી ગાયક વૃંદ

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો

Comments Off on કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો

ઝાંઝવાં થૈને હરણ દોડી ગયાં
ને હરણને દોડવાને રણ ન હો

આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો

-ચિનુ મોદી

રાગ ચંદ્રપ્રભાચંદ્રપ્ર

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન – અમર ભટ્ટ

પૂનમ ને કહેજો કે પાછી ન જાય

Comments Off on પૂનમ ને કહેજો કે પાછી ન જાય

પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!

આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજે છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય

માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજેતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારેકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!

-નિરંજન ભગત

સ્વર : બંસરી યોગેન્દ્ર
સ્વરાંકન : હરેશ બક્ષી

@Amit Trivedi