મારે રુદિયે બે મંજીરાં

No Comments

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

આપણે જ આપણું મનગમતું નામ કદી

No Comments

આપણે જ આપણું મનગમતું નામ કદી
હોઠ લગી આવવા ન દીધું,
આપણે જ પાણીના પરપોટે સંબંધો
બાંધવાનું કામ લઈ લીધું.

ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની
દરિયામાં ઊંડે જઈ જોડતી.
સંબંધો રાખવા તો માછલીની જેમ
એ પાણીને કોઈ દી ન છોડતી,

વારતામાં હુંય છું ને વારતામાં તુંય છે ને
મળવાનું તોય નહીં સીધું ?
આપણે જ આપણું મનગમતું નામ કદી
હોઠ લગી આવવા ન દીધું.

આંસુનું ધોધમાર ચોમાસું આજ તો
આંખોની બ્હાર ધસી આવતું,
તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને
મારામાં કેમ નથી ફાવતું ?

એવું મેં પૂછ્યું તો ય વિતેલા દિવસોએ
ઉત્તરમાં કંઈ જ નહીં કીધું.
આપણે જ પાણીના પરપોટે સંબંધો
બાંધવાનું કામ લઈ લીધું.

– તેજસ દવે.

સ્વર :નયન પંચોલી
સ્વરાંકન :નયન પંચોલી

Contact Us On WhatsApp @Amit Trivedi