તમને સમય નથી અને મારો સમય નથી

Comments Off on તમને સમય નથી અને મારો સમય નથી

તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવું એ તમારો વિષય નથી!

હું ઈન્તેજારમાં અને તમે હો વિચારમાં
એ પણ છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી

-બાપુભાઈ ગઢવી

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

સુખના વનમાં

Comments Off on સુખના વનમાં

સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.
સપનાંઓની ભારી બાંધી દિવસે જોતાં તારા રે,

માથા ઉપર ભારી મૂકી પગને તળિયે ભાર રે .
લખચોરાશીના ચક્કરમાં ફેરા વારંવાર રે.

દુ:ખ વળગે છે સુખ સળગે છે, ઊડે છે અંગારા રે;
સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.

કોઈ નથી આરોઓવારો ક્યાં મૂકવાનો ભારો રે ?
સાથ નથી સંગાથ નથી ને કોઈ નથી સધિયારો રે.

અમે અમારા નહીં રહ્યા કે નહીં રહ્યા તમારા રે;
સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.

-કિશોર શાહ

સ્વર : દિતી અને કૃશાનુ મજમુદાર
સ્વરાંકન : કૃશાનુ મજમુદાર

Newer Entries

@Amit Trivedi