ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે

Comments Off on ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં એવા તરિયા રે અત્તરિયા રાજા !

પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !

ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !

હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !

ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : માલવ દિવેટિયા

કાળા ડીબાંગ મારા અંધારા કાપવા

Comments Off on કાળા ડીબાંગ મારા અંધારા કાપવા

કાળા ડીબાંગ મારા અંધારા કાપવા
રાતો ની રાત હું તો જાગ્યો
મારા હિસ્સાનો જે માંગ્યો તો મેં
એ સૂરજ ક્યાં કોઈ એ આપ્યો

વાસંતી વાયરે પંખીડા ઝૂલ્યા
ને મધમીઠાં ગીત કંઈ ગાયાં
જોતાં જોતાંમાં તો , છોડી એ ડાળ
જેવા પાનખરી વાયરા વાયા
જાતે ઉલેચ્યો મે દુઃખ તણા દરિયાને
સુખ કેરા મોતી લઇ આવ્યો
મારા હિસ્સાનો જ માંગ્યો તો મેં
એ સૂરજ ક્યાં કોઈ એ આપ્યો

ગામ તણા થીજેલા પથ્થરિયા પહાડ ને
હું સ્પર્શયો ને ઝરણાઓ ફૂટ્યા
ખળ ખળ ખળ વહેતા ,એ ઝરણાના જળ માંહે
આશા ના પોયાણા ઝૂલ્યાં
ઉજડેલી ધરતી પર વરસી વિશ્વાસ ને
લીલ્લો છમ બાગ મેં બનાવ્યો
મારા હિસ્સાનો જ માંગ્યો તો મેં
એ સૂરજ ક્યાં કોઈ એ આપ્યો …

-રમેશ ચૌહાણ

સ્વર : સૌમિલ મુનશી
સ્વરાંકન : સૌમિલ મુનશી

રાધા શોધે મોરપિચ્છ ને

Comments Off on રાધા શોધે મોરપિચ્છ ને

સાંવરિયા… ઓ…. સાંવરિયા
રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા.
રાધિકાની આંખ જપે છે,સાંવરિયા ઓ સાંવરિયા.

ઉજળો દિવસ શ્યામ થયો ને,રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને,કરે હૃદયની વાત,
ભરી ભરીને ખાલી ખાલી,કરતી ગોપી ગાગરિયા…

મુરલીના સૂર કદંબ વૃક્ષે,ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં,કમળ થઈને ખૂલે, કુંજગલીમાં ધૂળ રેશમી,તોય કઠે કેમ કાંકરિયા….

-સુરેશ દલાલ.

સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

પીઠી ચોળી લાડકડી!

Comments Off on પીઠી ચોળી લાડકડી!

પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી આવો લાડકડી! કેમ કહું જાઓ લાડકડી!
તું શાની સાપનો ભારો? તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા; એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી! આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં કીધાં લાડકડી!

-બાલમુકુંદ દવે

સ્વર : પૌરવી દેસાઈ
સ્વરાંકન : રજત ધોળકિયા

આભ અને ધરતી બન્ને પર ચાલતી લૂંટાલૂંટ

Comments Off on આભ અને ધરતી બન્ને પર ચાલતી લૂંટાલૂંટ

આભ અને ધરતી બન્ને પર ચાલતી લૂંટાલૂંટ
પતંગને દોરીને માટે જામતી ઝૂટા ઝૂટ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં રોજની ખેંચમતાણ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં રોજની ખેંચમતાણ

સહુને જોઈએ ગમતો પતંગને જોઈએ ગમતી દોરી
હવા એ સૌને ગમે અનુકૂળ થેન્ક્યુ સામે સોરી
સાવ અજાણી અગાસીઓની થઇ જાતી ઓળખાણ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં રોજની ખેંચમતાણ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં કાયમ તાણમતાણ

હુંનો ઉડે પતંગ એમાં ભૂલ શોધે છે લાભ
હુંનો પતંગ જૂની દોરી ઉડવા માટે આભ
સંગ તણો જે ઉમંગ જાણે કરે ના ખેંચમતાણ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં રોજની ખેંચમતાણ
વરસમાં એક દિવસ ઉતરાણ જીવનમાં કાયમ તાણમતાણ

હું કેરું આકાશ હોય ને પ્રેમનો હોય પતંગ
આભ પડે એને નાનું ને ના ખીલે ત્યાં સંબંધ
હું ને ઉડાડે તે જાણે પ્રેમ તણા પરમાણ

સ્વર : આલાપ દેસાઈ

@Amit Trivedi