હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં

No Comments

હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહિ!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ!

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બંધથી,
દિલ જે ઉઠ્યું રોકાય ના! એ વાત છોડો કેદની!

સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું!
‘શું એ હતું? શું આ થયું?’ એ પૂછશો કોઈ નહિ!

પેદા કર્યો’તો ઇશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહિ.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહિ!

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી!
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહિ.

-કલાપી

સ્વર : કૃશાનું મજમુદાર
સ્વરાંકન : નવીન શાહ

આ આગમ નિગમ ની દુનિયા

No Comments

આ આગમ નિગમની દુનિયા જાણે એક મનખાનો મેળો છે જુગ જુગથી ચાલ્યો આવે એવો એક પાણીનો રેલો છે

આ સૃષ્ટિની સર્જનતા જાણે ગંજીફાનો મહેલ
મારા તારા મમત્વનો જાણે ચાંદરડાનો ખેલ
તીર તકદીરના સૌને વાગે કોઈ મોડો કોઇ વહેલો છે

કોઈ કોઈનું નથી રે જગતમાં ખોટું મારું-તારું
દીપ સળગે ત્યાં સુધી અજવાળું પાછળથી અંધારું
ભરી દુનિયામાં જેવો આવ્યો તેવો જીવ અકેલો છે

-અવિનાશ વ્યાસ

સ્વર : રુપકુમાર રાઠોડ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

તેં છેડતા તો છેડયું

No Comments

તે છેડતાં તો છેડ્યું મારા મનનું સૂર બહાર
લાગી ના લાગી આંખ ત્યાં તો મનને લાગ્યું માંડ

એ બેવફાથી શું કરું હું એ વફાની માંગણી
રીઝવી શકે શું ઉરની કો સૂર વિહોણી લાગણી

દિલમાં દીપકની આંખમાં કોઈ છેડતું મલ્હાર
તેં છેડતા તો છેડયું મારા મનનું સૂર બહાર

વિરહાગ્નિ મનની નયનની રહી ગઈ હાલા મહીં
લાચાર હું ને તું રહ્યી જ્યાં હતા ત્યાંના તહીં

સૂની સિતાર ક્યાં સુધી કરતી રહે ઝંકાર
તે છેડતાં તો છેડ્યું મારા મનનું સૂર બહાર

-અવિનાશ વ્યાસ

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

પ્રેમનો આભાસ દીધાનું

No Comments

પ્રેમનો આભાસ દીધાનું જરા જરા કંઈ યાદ છે
ને લગીર અજવાસ દીધાનું જરા જરા કંઈ યાદ છે

એટલે તો તરવરે છે એ હૃદય પ્રતિબિંબ શું
આંખમાં ભીનાશ દીધાનું જરા જરા કંઈ યાદ છે

આમ તો સામાન્ય કહો એવા સંબંધ હતા
તે છતાં કંઈ ખાસ દીધાનું જરા જરા કંઈ યાદ છે

સાવ માંથી પી લઈને પગ લગી કોરા રહ્યા
ભેજ નો અહેસાસ દીધાનું જરા જરા કંઈ યાદ છે

-હિમાંશુ પ્રેમ

સ્વર : પ્રહર વોરા અને ગાર્ગી વોરા
સ્વરાંકન : પરેશ નાયક

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે

No Comments

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં એવા તરિયા રે અત્તરિયા રાજા !

પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !

ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !

હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !

ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : માલવ દિવેટિયા

Older Entries

Contact Us On WhatsApp @Amit Trivedi