દાન દે વરદાન દે

Comments Off on દાન દે વરદાન દે

 

 

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિંહ અને મીરાં સમા
કંઠમાં કઈ ગાન દે. દાન દે …

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે :
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે..દાન દે ..

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે..દાન દે…

-જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ

બાઈજી તારો બેટડો

Comments Off on બાઈજી તારો બેટડો

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.
બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.
બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,
નજરું નાં અડપલાંનો છે મહિમા અપરંપાર!
બાઇજી! તારો બેટડો મારા ગાલ ને છાના ભીંજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે !

-લાલજી કાનપરિયા

સ્વર : અનાર કાઠિયારા
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે

Comments Off on ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.

લખ્યું’તું કદી નામ મારું તમે જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કૂવાકાંઠે ચઢી છે !

ઘણાં રૂપ લઈ લઈને જન્મે છે સીતા;
હવે લાગણી પણ ચિતાએ ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

સ્વર : હંસા દવે
સ્વરાંકન: પુરૂષોત્તમ ઉપાધ્યાય

જીવન મરણ છે એક જગજિત સિંહ

Comments Off on જીવન મરણ છે એક જગજિત સિંહ

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખુશ્બો હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, તેથી અનંત છું.

બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વિખરાએલો કદી છું, કદી તંતોતંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું “મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ, ન સંત છું.

-મરીઝ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

જીવન મરણ છે એક

Comments Off on જીવન મરણ છે એક

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખુશ્બો હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, તેથી અનંત છું.

બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વિખરાએલો કદી છું, કદી તંતોતંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું “મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ, ન સંત છું.

-મરીઝ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

Older Entries Newer Entries

@Amit Trivedi