અમે હોળીનો ગુલાલ છીએ

Comments Off on અમે હોળીનો ગુલાલ છીએ

 

 

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ

સ્વર : ભદ્રાયુ ધોળકિયા અને વૃંદ
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા ડો ભરત પટેલ

તરાપો ખરાબે ચડે

Comments Off on તરાપો ખરાબે ચડે

તરાપો ખરાબે ચડે એ ય સાચું
છતાં યે ન દરિયો જડે એ ય સાચું

જો મળીએ તો મળવું બની જાય બોજો
અને સૌને મળવું પડે એ ય સાચું

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું

કદી આવે ઠોકર મદદગાર થઈને
નડે તો ચરણ પણ નડે એ ય સાચું

છું પથ્થર વિષે કોતરાયેલું પંખી ને
પાંખો સતત ફડફડે એ ય સાચું

-રમેશ પારેખ

સ્વર : રથિન, કૃષાનુ, દીતિ અને કોષા
સ્વરાંકન : રથિન મહેતા

શબ્દ ક્યાં મારો કે તમારો છે

Comments Off on શબ્દ ક્યાં મારો કે તમારો છે

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

સ્વર : ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

રે આજ અષાઢ આયો

Comments Off on રે આજ અષાઢ આયો

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !

-નિરંજન ભગત

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન : ક્ષેમુભાઈ દિવેટિયા

@Amit Trivedi