જગત જીતવા જઈએ…

Comments Off on જગત જીતવા જઈએ…

જગત જીતવા જઈએ, સાધો !
જગત જીતવા જઈએ !
પ્રાણ મુઠ્ઠીમાં લઈએ, સાધો !
જગત જીતવા જઈએ !

દિશા કાલનાં મેરુ હિમાચલ,
હથેલી માંહીં સમાયા;
જલધિનાં જલ જતાં ઓસરી,
વડવાનલ હોલાયા, સાધો !
જગત જીતવા જઈએ !

વનરાજિની ચામર લે,
અરણ્ય આસન આપે;
મરુત મંદ કે ઝંઝાવાતો,
ક્ષુધાતૃષાને કાપે, સાધો !
જગત જીતવા જઈએ !

-રમણલાલ વસંતલાલ દેસાઇ

સ્વર : આશિત દેસાઈ, ગૌરવ ધ્રુ, સોલી કાપડીઆ
સ્વરાંકન : આશિત દેસાઈ

યાદોનો આ કેવો દરિયો

Comments Off on યાદોનો આ કેવો દરિયો

યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું.. ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..

ઇંતઝારની કેવી ક્ષણ છે..
પળ પળ જાણે મોટો મણ છે.

જો તું આવે બંધ નયનના
દ્વારમાં થઇને મારા મનમાં

તો એકબીજાના દિલની ધડકનનો પડધો
મૌન બનીને સાંભળીયે

યાદોનો આ કેવો દરિયો… દરિયો….

શ્વાસની અજંપ ચકલી
ઘડીકમાં હિંચકાને સળિયે
ઘડીક બેસે નળિયે

તું આવ જવાની ભુલીને
ને સમયના બંધન તોડીને

તો બચપણને પગલે પગલે
આપણ બે ઘુમી વળીયે

યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું..ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..

યાદોનો આ કેવો દરિયો… દરિયો…

-અનિલ ધોળકિયા

સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સ્વરાંકન : અનિલ ધોળકિયા

હું તો લજામણીની ડાળી

Comments Off on હું તો લજામણીની ડાળી

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.

મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજી, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

-– તુષાર શુક્લ

સ્વર : કવિતા કૃષ્ણમુર્તિ
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

ખડકી ઉધાડી હું તો…

Comments Off on ખડકી ઉધાડી હું તો…

 

 

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…

-વિનોદ જોશી

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : ઉદય મજમુદાર

ધરો ધીરજ

Comments Off on ધરો ધીરજ

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ ખેડૂતને પ્યારો નથી હોતો

તમારા ગર્વની સામે અમારી. નમ્રતા કેવી
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થાનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો – ચાલ્યા કરો બસ એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો

જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો

ચમકતાં આંસુનો જલતા જીગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો

ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો

ફકત દુ:ખ એ જ છે એનું – તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો

-શેખાદમ આબુવાલા

સ્વર : જયેશ નાયક અને સીમા ત્રિવેદી

Older Entries

@Amit Trivedi