આ ચાંદનીની આંખે જુઓ

Comments Off on આ ચાંદનીની આંખે જુઓ

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનને
આકાશની લીલામાં તો શામેલ છે બન્ને

પામરને તમે આપી આપી છે આ કેવી બુલંદી
ઊંચેથી મને પટકો ને સોંપી દો પતનને

ફૂલોને જો હસવાનો અધિકાર નથી તો
સળગાવી દો ઓ મિત્રો તમે એવા ચમનને

એ શક્ય નથી એટલે આવ્યો છું વતનમાં
નહિતર તો હું સાથે જ લઈ જાત વતનને

બંધનથી રહી દૂર એ વિસ્તરતું રહ્યું છે
સીમાઓમાં બાંધી ન શક્યું કોઈ ગગનને

છોડ્યું છે સુરાલય છતાં ઝરમરમાં તો આદમ
તરસું છું હજી પ્યાસને પ્યાલાને પવનને

આદમને ખબર આખરી સજ્જા છે એ તેથી
રંગીન લિબાસોને તજી લીધું કફનને

-શેખાદમ આબુવાલા

સ્વર : સુધીર ઠક્કર

માનવીને આ જગત

Comments Off on માનવીને આ જગત

માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી

એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી

રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ –
એ જ છે (લાગી શરત!) આદમથી શેખાદમ સુધી

મોતને શરણે થવામાં સાચવે છે ૨મ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી

ફૂલમાં ડંખો કદી ક્યારેક કાંટા માં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી

બુદ્ધિના દીપકની સામે ધોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી

બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યાં છે એકમત આદમથી શેખાદમ સુધી

કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી

રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું :
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી’

-શેખાદમ આબુવાલા

સ્વર : પંકજ ઉધાસ

Newer Entries

@Amit Trivedi