જરાય દોસ્તો ખબર નથી કે

Comments Off on જરાય દોસ્તો ખબર નથી કે

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે

વિનમ્ર થઈ ને કદાપી એકેય કરી ના ફરિયાદો જિંદગીમાં
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે

ઘણીય વેળા ઊભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે

-મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ

આંખોનો ભેદ આખરે…

Comments Off on આંખોનો ભેદ આખરે…

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

હંસલો પિંજરે પુરાણો ગુરુજી

Comments Off on હંસલો પિંજરે પુરાણો ગુરુજી

હંસલો પિંજરે પુરાણો ગુરુજી, મારો હંસલો પિંજરે પુરાણો
કાયાનું કોડિયું ઝોલાં રે ખાતું ને આતમડો મૂંઝાણો..

પળ પળ છળતી મૃગજળ સમ આ સંસારી જાત
હોય ભલે રાણીનો જાયો સૌને માથે કાળ
જે આવે તે જાય એટલું જાણો.. ગુરુજી મારો..

બાંધ ગઠરિયા પાપ-પુણ્યની, જાવું સામે પાર
ઉપર ફૂલ નીચે કાંટા, અવળો આ સંસાર
કાયાનો કાચો તણો વાણો.. ગુરુજી મારો..

-અવિનાશ વ્યાસ

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

હું મારી મરજીમાં નૈ

Comments Off on હું મારી મરજીમાં નૈ

હું મારી મરજીમાં નૈં
હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ 

હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા 
સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.

મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
 હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી 
ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.

-રમેશ પારેખ 

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ

ઘૂંઘટે ઢાંકયું રે…

Comments Off on ઘૂંઘટે ઢાંકયું રે…

ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું..
હે..હું તો નીસરી ભર બજાર જી..
લાજી રે મરું ..મારો સાયબો ખોવાયો..
કોને કહું આવી વાત જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણો બાંધ્યા..
મારે મેઢિયું ઝાક ઝમાળજી રે…
હે..જોબન ઝરુખે રુડી ઝાલરૂં વાગે
ઝાંઝર, ઘૂંઘર, માળ જી..
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …

રાત ઢળીને ઘેરા ઘડીયાળા વાગ્યા
અને પ્રાંગણનાં ફૂટયાં ફૂટ્યા દોરાજી રે..
હે…તો’ય ના આવ્યો, મારો સાયબો સલૂણો
જાગી આઠે પહોરજી…
ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું …!

-ચતુર્ભુજ દોશી

સ્વર : સાધના સરગમ
સ્વરાંકન :અવિનાશ વ્યાસ

Older Entries

@Amit Trivedi